Sports

રોઝા રાખી મેચ રમતા પાકિસ્તાની મૂળનાં ક્રિકેટરનું મોત, ભારે ગરમીમાં 40 ઓવર ફિલ્ડિંગ કરી હતી

ક્રિકેટ જગત માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાની મૂળના એક ક્રિકેટરનું ક્રિકેટ મેચ રમતી વખતે મોત થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બની હતી. પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જુનૈદ ઝફર ખાન, જેનું અવસાન થયું, તેમની ઉંમર 40 વર્ષથી વધુ હતી.

ખરેખર જુનૈદ ક્લબ લેવલનો ખેલાડી હતો. શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો ત્યારે તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું. આ ભીષણ ગરમીમાં જુનૈદે લગભગ 40 ઓવર ફિલ્ડિંગ કરી. પરંતુ મેચ દરમિયાન સાંજે 4 વાગ્યે તેની તબિયત બગડી અને તેઓ જમીન પર બેભાન થઈને પડી ગયો હતો, ત્યાર બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી પરંતુ તેને બચાવી શકાયો નહીં.

જુનૈદ ઓલ્ડ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબ તરફથી મેચ રમી રહ્યો હતો. આ મેચ એડિલેડના કોનકોર્ડિયા કોલેજ ખાતે પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામે રમાઈ હતી. જુનૈદે મેચમાં લગભગ 7 ઓવર બેટિંગ પણ કરી હતી. આ દરમિયાન તે 16 રન બનાવીને અણનમ રહ્યો.

જુનૈદ રમઝાન દરમિયાન ઉપવાસ રાખતો હતો ડેઇલી મેઇલના અહેવાલ મુજબ જુનૈદ રમઝાન દરમિયાન ઉપવાસ રાખતો હતો પરંતુ ઇસ્લામિક નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ બીમાર કે અસ્વસ્થ લાગે તો ઉપવાસ દરમિયાન પાણી પીવાની મંજૂરી આપે છે તેથી તે આખો દિવસ પાણી પીતો હતો.

જુનૈદના ક્રિકેટ ક્લબે શોક વ્યક્ત કર્યો અને કહ્યું, અમારા એક સ્ટાર સભ્યના નિધનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. મેચ દરમિયાન તેને અચાનક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પેરામેડિક્સના પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહીં. અમારા સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને ટીમના સાથીઓ સાથે છે.

રિપોર્ટ અનુસાર જુનૈદ 2013 માં ટેક સેક્ટરમાં કામ કરવા માટે પાકિસ્તાનથી એડિલેડ આવ્યો હતો. તેને ક્રિકેટનો ખૂબ શોખ હતો અને તે ઓસ્ટ્રેલિયાના એક સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમતો હતો.

Most Popular

To Top