Sports

‘…આ બે જણા ઓપનિંગ કરે તો જીતશે પાકિસ્તાન’, ઈમરાન ખાનનો જેલમાંથી કટાક્ષ

2025ના એશિયા કપમાં ભારત સામેની બીજી હારથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં મુકાયું છે. આ હાર બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને 1992ના વર્લ્ડ કપ વિજેતા ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેના વડા મોહસીન નકવી પર આકરા પ્રહારો કર્યા છે. જેલમાં કેદ ઇમરાન ખાને કટાક્ષ કર્યો કે જો PCBના વડા મોહસીન નકવી અને આર્મી ચીફ અસીમ મુનીર પાકિસ્તાન ટીમ વતી ઓપનિંગ કરે તો જ હવે પાકિસ્તાન ભારતને હરાવી શકે છે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારત માટે અભિષેક શર્માએ માત્ર 39 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેના કારણે ભારતને સાત બોલ બાકી રહેતા 172 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળી. પાકિસ્તાની ફાસ્ટ બોલરો શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફે અભિષેક અને શુભમન ગિલને પરેશાન કર્યા પરંતુ બંનેમાંથી કોઈ બોલ પર કોઈ અસર કરી શક્યા નહીં અને ભારતે સરળ વિજય મેળવ્યો.

નક્વીએ પાકિસ્તાન ક્રિકેટનું નખ્ખોદ વાળ્યુંઃ ઈમરાન
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઇમરાનની બહેન અલીમા ખાને પત્રકારોને આ નિવેદન આપ્યું હતું. ઇમરાને વધુમાં કહ્યું કે પાકિસ્તાન ફક્ત ત્યારે જ જીતી શકે છે જો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઇસા અને ચૂંટણી પંચના વડા સિકંદર સુલતાન રાજા મેદાન પર અમ્પાયર હોય જેમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સરફરાઝ ડોગર થર્ડ અમ્પાયર હોય.

ઇમરાન ખાને મોહસીન નકવી પર નિશાન ટાંકતા દાવો કર્યો છે કે નક્વીની અયોગ્યતા અને ભત્રીજાવાદના લીધે પાકિસ્તાન ક્રિકેટ બરબાદ થયું છે. 72 વર્ષીય ઇમરાન ખાને આસીમ મુનીર પર 2024ની સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)નો જનાદેશ ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઇમરાન અનેક કેસોના સંદર્ભમાં ઓગસ્ટ 2023 થી જેલમાં છે.

Most Popular

To Top