Top News

પાકિસ્તાન સુધરશે નહીં! ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના મુખ્યાલયનું નવીનીકરણ શરૂ, પાક. સરકારે કરોડો રૂપિયા આપ્યા

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ તા.7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેમાં આવેલા લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મરકઝ તૈયબાને જમીનદોસ્ત કરી દીધું હતું. આ મથક આતંકવાદીઓને તાલીમ આપવાનું, તેમના બ્રેઇન વોશ કરવું અને શસ્ત્રો-દારૂગોળો સંગ્રહવાનું કેન્દ્ર ગણાતું હતું. હવે પાકિસ્તાન ફરીથી આ આતંકવાદી ઠેકાણું ઊભું કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, તા.18 ઓગસ્ટથી મુરીદકેમાં મોટી મશીનો પહોંચાડી દેવામાં આવી છે. તા.4 સપ્ટેમ્બરે ઉમ્મ ઉલ કુરા નામના પીળા બ્લોકને તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ માત્ર ત્રણ દિવસમાં લાલ ઇમારત પણ ધરાશાયી કરવામાં આવી હતી. પાકિસ્તાનનો પ્લાન એવો છે કે તા.5 ફેબ્રુઆરી 2026ના કાશ્મીર એકતા દિવસ નિમિત્તે નવા મરકઝ તૈયબાનું ઉદ્ઘાટન કરવામાં આવે.

આ સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ મૌલાના અબુ ઝાર અને ઉસ્તાદ ઉલ મુજાહિદ્દીન સંભાળી રહ્યા છે. જ્યારે ઓપરેશનલ કમાન્ડર તરીકે યુનુસ બુખારીને જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી ઇમારતનું ઉદ્ઘાટન થયા બાદ તેનો ઉપયોગ આતંકવાદી તાલીમ અને નેટવર્ક ચલાવવા માટે થવાનો છે.

સૌથી મોતો ખુલાસો એ છે કે પાકિસ્તાન સરકાર ખુદ આ આતંકવાદી સંગઠનને સહાય પૂરી પાડી રહી છે. ઓગસ્ટ 2025માં સરકારે લશ્કર-એ-તૈયબાને 4 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે સંપૂર્ણ મથક ઊભું કરવા માટે અંદાજે 15 કરોડ રૂપિયા જરૂરી છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ હોવા છતાં લશ્કર પૂરના નામે ભંડોળ એકત્ર કરીને તે રકમ મુરીદકે મોકલી રહ્યું છે.

આ પહેલીવાર નથી કે લશ્કર માનવતાવાદી સહાયના નામે ઠગાઈ કરી રહ્યું છે. 2005ના ભૂકંપ દરમિયાન પણ લશ્કરે અબજો ડોલર એકત્ર કર્યા હતા. પરંતુ તપાસમાં ખુલ્યું હતું કે તેનો 80 ટકા હિસ્સો પોતાની ઇમારતો ઊભી કરવા માટે વાપરી લીધો હતો.

વિશ્લેષકોના મત મુજબ, પાકિસ્તાનનું આ પગલું તેના બેવડા ધોરણોને સ્પષ્ટ કરે છે. એક તરફ દેશ પૂરની સ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ સરકાર આતંકવાદી સંગઠનને નાણાકીય મદદ આપીને તેમના નેટવર્કને મજબૂત બનાવી રહી છે.

Most Popular

To Top