ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જે પાકિસ્તાને ખાલી કરવો જ પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ખુલ્લી ચર્ચા દરમિયાન સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરાવથનેની હરીશે આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી’ હતો પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે હરીશે જવાબ આપતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે, જેને તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.
ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે તેણે ફરી એકવાર બિનજરૂરી ટિપ્પણીઓનો આશરો લીધો છે પરંતુ આનાથી ન તો તેના ગેરકાયદેસર દાવાઓને કાયદેસર ઠેરવવામાં આવશે અને ન તો રાજ્ય પ્રાયોજિત આતંકવાદની તેની નીતિને ન્યાયી ઠેરવવામાં આવશે.
હરીશે કહ્યું કે ભારત આ પ્લેટફોર્મનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજન્ડા તરફ વાળવા દેશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત આ બાબતે વધુ વિગતવાર જવાબ આપવાનું ટાળશે.
