પાકિસ્તાન T20 વર્લ્ડ કપના સુપર 8 માં પ્રવેશ્યું છે. ટીમે બુધવારની બીજી મેચમાં નામિબિયાને 102 રનથી હરાવ્યું. પાકિસ્તાન ટોપ 8 માં પહોંચનારી આઠમી ટીમ બની છે.
કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આ ગ્રુપ A મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન બનાવ્યા. જવાબમાં નામિબિયા 17.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઉસ્માન તારીકે ચાર વિકેટ લીધી જ્યારે શાદાબ ખાને બે વિકેટ લીધી. ઓપનર લોરેન સ્ટીનકેમ્પે 23 અને એલેક્ઝાન્ડર વોલશેન્કે 20 રન બનાવ્યા. ટીમના નવ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં.
પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાને 58 બોલમાં અણનમ 100 રન બનાવ્યા. તેણે 57 બોલમાં પોતાની સદી પૂરી કરી. શાદાબ ખાન ૩૬ રન બનાવી અણનમ રહ્યો. કેપ્ટન સલમાન અલી આગા ૩૮ રન બનાવીને આઉટ થયો. નામિબિયા તરફથી જેક્સ બ્રેસેલે બે વિકેટ લીધી જ્યારે ગેરાર્ડ ઇરાસ્મસે એક વિકેટ લીધી.
બીજી તરફ વધુ એક મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માની શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી દીધી. તેને આર્યન દત્તે બોલ્ડ કર્યો. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સુપર 8માં પહોંચી ગઈ છે. જોકે નંબર વન ટી20 બેટ્સમેન અભિષેક શર્મા હજુ સુધી ટુર્નામેન્ટમાં પોતાનું ખાતું ખોલી શક્યો નથી. તે પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે શૂન્ય રનમાં આઉટ થયો હતો. બીજી તરફ નેધરલેન્ડ્સને આગામી રાઉન્ડમાં આગળ વધવાની આશા રાખવા માટે જીતની જરૂર છે. આજે હારથી ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ જશે.