Sports

ચેમ્પિયન્સ ટ્રોફીએ પાકિસ્તાનને બરબાદ કર્યું, કરોડોનું થયું નુકસાન

29 વર્ષ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે મોંઘુ સાબિત થયું. નાદાર પાકિસ્તાની બોર્ડને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના આયોજનથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે યોજાઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

પાકિસ્તાને સપનું જોયું હતું કે આ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને તેને અબજો રૂપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો પડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમના રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ ટુર્નામેન્ટ પુરી થઈ ત્યારે બોર્ડને 85 ટકાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

પાકિસ્તાન ક્રિકેટને 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું
ટેલિગ્રાફ અનુસાર PCB એ ઘરેલુ મેચોનું આયોજન કરવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આમ છતાં બોર્ડને ફક્ત 52 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જેના કારણે બોર્ડને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પાકિસ્તાની બોર્ડે ત્રણ સ્થાનિક સ્ટેડિયમના નવીનીકરણ માટે $58 મિલિયન (લગભગ રૂ. 504 કરોડ) ખર્ચ કર્યા હતા.

આ રકમ PCBના કુલ બજેટ કરતાં 50 ટકા વધુ છે. ટુર્નામેન્ટની તૈયારીમાં 40 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચવામાં આવ્યા હતા. આટલો ખર્ચ કર્યા પછી PCB ને ફક્ત 52 કરોડ રૂપિયાનો નફો થયો છે. આવી સ્થિતિમાં તેને ટુર્નામેન્ટના લીધે લગભગ 85% નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

બોર્ડે ખેલાડીઓની મેચ ફી ઘટાડી
આ નુકસાનીની મોટી અસર ફક્ત પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર પડી છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે PCB એ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે.

ભારતના લીધે મોટાભાગની મેચ દુબઈમાં રમાઈ
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનના ત્રણ સ્થળોએ યોજાઈ હતી: લાહોર, કરાચી અને રાવલપિંડી. જ્યારે ભારતીય ટીમે તેની બધી મેચ દુબઈમાં રમી હતી. ફાઇનલ પણ દુબઈમાં યોજાઈ હતી.

પાકિસ્તાની ટીમ 5 દિવસમાં એક પણ મેચ જીત્યા વિના બહાર થઈ
પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઘરઆંગણે યોજાયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ ફક્ત 5 દિવસમાં એક પણ મેચ જીત્યા વિના બહાર થઈ ગઈ. ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નહીં. પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ અને ભારત સામે પરાજય થયો હતો, જ્યારે બાંગ્લાદેશ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

Most Popular

To Top