Comments

રાજકીય સંકટ વચ્ચે ઘેરાયેલું પાકિસ્તાન

૨૦૨૨માં વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનની હકાલપટ્ટી બાદ, ૨૦૨૩માં રાજકીય ઉથલપાથલ અને આર્થિક કટોકટી વચ્ચે પાકિસ્તાન નોંધપાત્ર રીતે અસ્થિરતાના દોરમાંથી પસાર થયું છે. ઇમરાન ખાન વિરોધી ગઠબંધન સરકાર વિપક્ષને દબાવવા બંધારણીય કાયદાના ઉલ્લંઘન કરવાના આરોપોનો સામનો કરી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન વિપક્ષરહિત ચૂંટણીઓ સાથે કપરા કાળ તરફ ધસી રહ્યું છે.

ઇમરાન ખાનને ૨૦૨૨માં વડા પ્રધાન તરીકે હાંકી કાઢવામાં આવ્યા હતા ત્યારથી પાકિસ્તાનમાં અશાંતિ જોવા મળી રહી છે. તેમના અનુગામી તરીકે ૧૩ પક્ષોના જૂથ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (PDM) સરકારે સુપ્રીમ કોર્ટના દરેક આદેશનો ભંગ કર્યો છે, જેના કારણે કોર્ટ અપંગ અને લાચાર બની ગઈ છે. પાકિસ્તાનની સંસદે બંધારણના ભોગે પોતાના પક્ષને ફાયદાકારક કાયદાઓ પસાર કર્યા છે. એસેમ્બલીઓના વિસર્જનના ૯૦ દિવસની અંદર બંધારણીય રીતે ફરજિયાત ચૂંટણીઓ યોજવામાં નિષ્ફળ રહેલી સંઘીય અને પ્રાંતીય સરકારો પોતાની કાયદેસરતા ગુમાવી ચૂકી છે.

ઇમરાન ખાન દોઢસોથી વધુ ખોટા ફોજદારી કેસો સાથે મિડિયા બ્લેકઆઉટનો સામનો કરી રહ્યા છે. ૯ મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટની અંદર ખાનની ધરપકડના પ્રતિભાવમાં થયેલા વિરોધને કારણે ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટી સામે મોટા પાયે કડક કાર્યવાહી થઈ. જે પછી પીટીઆઈના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અથવા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા. પીટીઆઈને ચૂંટણીમાં સફળતા ના મળે તે આશયથી ચૂંટણી પંચે પાર્ટીને તેનું ચૂંટણી પ્રતીક, ક્રિકેટ બેટ આપવાનો ઇનકાર કર્યો, પછીથી પેશાવર હાઈકોર્ટે પીટીઆઈને પાર્ટીનું પ્રતીક પાછું આપવાની મંજૂરી આપી. પાકિસ્તાનની કટોકટી તેના જટિલ નાગરિક-લશ્કરી સંબંધો અને પાકિસ્તાની રાજકારણ પર સૈન્યના પ્રભાવનું પરિણામ છે.

રાજકીય ઉથલપાથલની આ પૃષ્ઠભૂમિ સાથે પાકિસ્તાન વિદેશી હૂંડિયામણનું તળિયું, નીચા કર-થી-જીડીપી ગુણોત્તર અને ઊંચા દેવાના બોજને કારણે ગંભીર આર્થિક સંકટમાં છે, જે દેશને નાદારીના જોખમમાં મૂકે છે. આતંકવાદી પ્રવૃત્તિ પણ વધી
રહી છે. આ ગરબડ વચ્ચે, ભાગેડુ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ રાજકીય સોદાબાજીના ભાગરૂપે ચાર વર્ષની મેડિકલ પેરોલ પછી દેશમાં પાછા ફર્યા છે. જેલમાં જવાને બદલે તેમની સજા સ્થગિત કરવામાં આવી. તેમના રાજકીય રાજ્યાભિષેકને સરળ બનાવવા માટે શરીફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. બિનહિસાબી વિદેશી સંપત્તિના ગંભીર આરોપોનો સામનો કરતાં શરીફ ફરી એક વાર ખાનના વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. પાકિસ્તાન આ પ્રકારનું પોલિટિકલ એન્જિનિયરિંગ જનરલ ઝિયા ઉલ-હકના સમયથી ચાલ્યું આવે છે, જેમણે પાકિસ્તાનના રાજકીય મૂળ પર પ્રહાર કરીને તેને લશ્કરને આધીન બનાવ્યું હતું. એટલે આગામી ચૂંટણીનાં પરિણામો વિષે કોઈ સસ્પેન્સ રહ્યું નથી.

પાકિસ્તાન હવે દક્ષિણ એશિયાનો બીમાર દેશ છે. ગબડી રહેલી અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ વ્યાપક સામાજિક અને શાસન સૂચકાંકો પણ પાકિસ્તાન તળિયે બેઠું છે. પાકિસ્તાન હજુ પણ રાજકીય અને આર્થિક અનિશ્ચિતતામાં જકડાયેલો છે, જેના કારણે ફુગાવો વિક્રમી સ્તરે પહોંચ્યો છે અને દેશની ૪૦ ટકા વસ્તી ગરીબી રેખા નીચે આવી ગઈ છે. સ્થિર શાસનનો અભાવ એ કોઈ પણ દેશની ભયાવહ સમસ્યાઓના ઉકેલ સામે એક મોટી અડચણ છે.

પાકિસ્તાનમાં રાજકારણ વિષે એવું કહેવાય છે કે તે લોકોની સેવા માટે નહીં પરંતુ એક વ્યવસાયની જેમ ચાલે છે. રાજકારણ થકી સત્તા, લાભો અને વિશેષાધિકારો મેળવવામાં આવે છે અને પછી તેનો બેલગામ દુરુપયોગ થાય છે. સત્તામાં રહેલા પાકિસ્તાનના પક્ષો સંપત્તિ એકત્ર કરવા અને રાજકીય વિરોધીઓને ખતમ કરવા માટે સત્તાનાં સાધનો વાપરે છે. વર્તમાન રાજકીય અને આર્થિક વ્યવસ્થા હેઠળ પાકિસ્તાન ટકી શકે તેમ નથી. આ બધી પદ્ધતિઓ અગાઉ અજમાવવામાં આવી છે અને નિષ્ફળ ગઈ છે. ગંભીર પડકારો વચ્ચે, વિવાદિત ચૂંટણીઓથી દેશને વ્યાપક નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન માટે આવનારાં વર્ષો કટોકટીનાં બની રહેશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top