ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ટોચ પર, બુર્કિના ફાસો બીજા અને નાઇજર ત્રીજા સ્થાને
વિશ્વભરમાં આતંકવાદનું પરિદૃશ્ય ફરી એકવાર બદલાયું છે. Institute for Economics and Peace દ્વારા જાહેર કરવામાં આવેલી ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2026 રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. અગાઉ પશ્ચિમ આફ્રિકાનો દેશ બુર્કિના ફાસો આ યાદીમાં ટોચ પર હતો, પરંતુ હવે તે બીજા ક્રમે સરક્યો છે, જ્યારે નાઇજર ત્રીજા સ્થાને છે.
GTI રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન પાકિસ્તાનમાં કુલ 1,045 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં 1,139 લોકોનાં મોત થયા હતા, જ્યારે 1,595 લોકો ઘાયલ થયા હતા. આ આંકડા છેલ્લા દાયકામાં સૌથી ખરાબ માનવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન છેલ્લા 12 વર્ષથી સતત ટોચના 10 આતંકગ્રસ્ત દેશોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આ વર્ષે તે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે
રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં વધતા આતંકવાદ માટે મુખ્યત્વે Tehrik-i-Taliban Pakistan (TTP) જવાબદાર છે. આ સંગઠન અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ તાલીમ, આશ્રય અને હુમલાના આયોજન માટે કરે છે. વર્ષ 2025 દરમિયાન TTP દ્વારા કરવામાં આવેલા હુમલામાં 24%નો વધારો નોંધાયો છે, જેમાં કુલ 595 હુમલા અને 637 મોતનો સમાવેશ થાય છે.
તે સિવાય Balochistan Liberation Army (BLA) પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે.
ક્વેટા નજીક ‘જાફર એક્સપ્રેસ’ ટ્રેન હાઇજેકિંગ જેવી મોટી ઘટના આમાં સામેલ છે, જેમાં 442 મુસાફરોને બંદી બનાવવામાં આવ્યા હતા અને અનેક લોકોના મોત થયા હતા. આ તરફ ભારત આ સૂચીમાં 6.428 GTI સ્કોર સાથે 13મા સ્થાને છે. દક્ષિણ એશિયામાં ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પછી ત્રીજા નંબરે આવે છે. જોકે, ભારત માટે સકારાત્મક બાબત એ છે કે વર્ષ 2025 દરમિયાન આતંકવાદી હુમલાઓમાં 43%નો ઘટાડો નોંધાયો છે, જે સુરક્ષા દૃષ્ટિએ નોંધપાત્ર સુધારો દર્શાવે છે.