નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) હાલમાં સ્થિત ખૂબ જ નાજૂક છે. કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં હાલ ભારતની (India) વાહવાહ થઈ રહી છે. પાકિસ્તાની મીડિયાએ પહેલીવાર ભારતની પ્રશંસા કરી તેને વિશ્વમાં તાકાતવર ગણાવ્યો છે. આ વચ્ચે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો 3 વર્ષ જૂનો વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈ પીએમની ભવિષ્યવાણી સાચી પડી એમ લોકો કહી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ અગાઉ કે જયારે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી તે સમયે એટલેકે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયના એક જનસભાના ભાષણ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો ઘમંડ તોડશે. વાટકો લઈ વિશ્વમાં ફરવા મજબૂર કરશે. આ વીડિયો જોયા પછી પાકિસ્તાનના લોકો પીએમ શાહબાજ શરીફને જીમ્મેદાર ઠરાવી રહ્યાં છે. આ અંગે પાકિસ્તાનની હાલની સરકાર સમક્ષ ધણાં સવાલો ઉભા કરવામાં આવ્યાં છે.
આ ભાષણમાં પીએમ મોદીએ પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે અમે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન દરરોજ પરમાણુ બોમ્બની ધમકી આપે છે, તો શું આપણે આપણી પાસે જે પરમાણુ છે તે દિવાળી માટે રાખ્યા છે?
હાલમાં આ વીડિયો પાકિસ્તાનની હાલની સરકાર સામે સવાલો ઉભા કરી રહ્યું છે. કારણકે દેશને ચલાવવા માટે ત્યાની સરકાર પાસે રુપિયા નથી જેના કારણે તેઓ અલગ અલગ દેશો પાસે આર્થિક મદદ માગી રહ્યાં છે.
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભ્રષ્ટાચારને લઈને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતા પાસે અબજોની સંપત્તિ નથી. હાલમાં ઈમરાન ખાનની પાર્ટીના તમામ સભ્યો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું- મજાની વાત એ છે કે આ વીડિયો શેર કરીને PTIના નેતાઓ શાહબાઝ સરકારને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મોદી તેમની સરકાર વિશે શું કહી રહ્યા છે, જો કે આ વીડિયો 2019નો છે, જ્યારે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી.