લાહોર: (Lahore) પોલીસે લાહોરમાં પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના (Imran Khan) ઘરને ઘેરી લીધું છે. પોલીસનો દાવો છે કે ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરની (House) બહાર મોટી સંખ્યામાં પોલીસ એકઠી થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમને એવા ઈનપુટ મળ્યા છે કે ઈમરાનના ઘરની અંદર 40 જેટલા આતંકીઓ છુપાયેલા છે. પોલીસે ઈમરાનના ઘરને ઘેરી લીધું છે તો બીજી તરફ સરકારે આતંકવાદીઓને સોંપવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.
- પોલીસે લાહોરમાં પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના (Imran Khan) ઘરને ઘેરી લીધું
- પોલીસનો દાવો છે કે ઈમરાન ખાનના ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે
- સરકારે આતંકવાદીઓને સોંપવા માટે 24 કલાકનો સમય આપ્યો
ઇમરાન ખાનના ઘરની પોલીસે ઘેરાબંધી કર્યાના સમાચાર મળતાની સાથે જ ઇમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેમના ઘરની બહાર એકઠા થવા લાગ્યા છે. ભારે પોલીસ ફોર્સ અને તેમના સમર્થકો ઈમરાનના ઘરની બહાર એકઠા થયા બાદ અથડામણની શક્યતા પણ વધી ગઈ છે. જણાવી દઈએ કે ઈમરાન ખાનની પાકિસ્તાન રેન્જર્સે 9મી મેના રોજ કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટની દરમિયાનગીરી બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.
બીજી તરફ પંજાબ પ્રાંતના માહિતી મંત્રી અમીર મીરે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું કે પીટીઆઈએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ નહીંતર કાયદો પોતાનો માર્ગ અપનાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર આ આતંકવાદીઓની હાજરીથી વાકેફ હતી કારણ કે તેની પાસે વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો હતા. મીરે કહ્યું કે જે ઈન્ટેલિજન્સ રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે એજન્સીઓ જીઓફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરી શકે છે.
મીરે કહ્યું કે પીટીઆઈ હવે આતંકવાદી જેવું વર્તન કરી રહી છે. તેમણે કહ્યું કે પીટીઆઈ ચીફ ઈમરાન એક વર્ષથી વધુ સમયથી સેનાને નિશાન બનાવી રહ્યા છે. મીરનો દાવો છે કે હુમલાની યોજના ઈમરાન ખાનની ધરપકડ પહેલા કરવામાં આવી હતી. 9 મેના રોજ આર્મી ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો સુનિશ્ચિત યોજના હેઠળ કરવામાં આવ્યો હતો.