ભારત સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશને પોતાનું મિત્ર માનતું હતું, પણ હવે તેની અસલિયત બહાર આવી ગઈ છે. બુધવારે સાઉદી અરેબિયા અને પરમાણુ સશસ્ત્ર દેશ પાકિસ્તાન વચ્ચે પરસ્પર સુરક્ષા કરાર પર હસ્તાક્ષર થયા છે, જે કરાર મુજબ જો બેમાંથી કોઈ પણ દેશ સામે આક્રમણ કરવામાં આવશે તો તેને બંને દેશો સામેનું આક્રમણ ગણવામાં આવશે. વધુ ફોડ પાડી કહીએ તો જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો સાઉદી અરેબિયા તેને પોતાના પરનો હુમલો ગણશે અને પાકિસ્તાનને મદદ કરવા દોડી આવશે.
ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર હુમલો કર્યા પછી અને થોડા મહિના પહેલાં જ પાકિસ્તાન અને ભારત વચ્ચે લશ્કરી અથડામણ થયા પછી બંને દેશો વચ્ચે આ સુરક્ષા કરાર થયો છે. આ કરારને બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર પશ્ચિમ અને દક્ષિણ એશિયા પર પડશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ૧૭ સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. શાહબાઝ શરીફને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભારત ભવિષ્યમાં પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર જેવી કોઈ કાર્યવાહી કરે તો શું સાઉદી અરેબિયા પાકિસ્તાનનો સાથ આપશે?
પશ્ચિમ એશિયામાં પાકિસ્તાન ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે અને ભારત ક્યાંય દેખાતું નથી. પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે અને ગલ્ફના દેશો તેમની સુરક્ષા માટે પાકિસ્તાન, તુર્કી અને ચીન તરફ જોઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આ ત્રણેય દેશો ભારત વિરુદ્ધ એકત્ર થયા હતા. આ ચોક્કસપણે ભારત માટે એક ફટકો છે. પાકિસ્તાને માત્ર એક નવા સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ એક એવા દેશ સાથે કરાર કર્યા છે જે ભારતનો ટોચનો ભાગીદાર છે. આ કરારનો અર્થ એ છે કે સાઉદી અરેબિયાના ભંડોળનો ઉપયોગ પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. પાકિસ્તાન ખુલ્લેઆમ ઇઝરાયલ સામે આરબ દેશોને પરમાણુ સુરક્ષા પૂરી પાડવાની વાત કરી રહ્યું છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારી નવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ભારત માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.
જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો સાઉદી અરેબિયા ભલે તેના સૈનિકો ન મોકલે, પરંતુ તેની પાસે અઢળક પૈસા છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવા માટે નાણાંકીય સહાય પૂરી પાડશે. સાઉદી અરેબિયા પાસે અમેરિકન ટેકનોલોજી છે અને તે પણ પાકિસ્તાનને પૂરી પાડશે. અલબત્ત, આ ભારત માટે એક મોટો ફટકો હશે. સાઉદી અરેબિયાએ આ કરાર કેમ કર્યો તે પ્રશ્ન ઊભો થઈ શકે છે, પરંતુ તેના ચોક્કસ જવાબો છે. પ્રથમ, ગલ્ફ દેશો હવે અમેરિકા પર વિશ્વાસ કરતા નથી.
બીજું, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતના હુમલાનો દૃઢતાથી સામનો કર્યો હતો, જેના પરિણામે ગલ્ફના દેશો માટે પાકિસ્તાન એક મહત્ત્વપૂર્ણ દેશ તરીકે ઉભરી આવ્યો છે. વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મ ચેલ્લાની માને છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી સાઉદી અરેબિયાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. મોદીએ સાઉદી અરેબિયા સાથેના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યા અને તેની વારંવાર મુલાકાતો કરી હતી. આ વર્ષે એપ્રિલમાં પણ તેમણે મુલાકાત લીધી હતી. હવે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સાઉદી ક્રાઉન પ્રિન્સે એક ખરાબ ઇનામ આપ્યું છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે મિત્રતાનો જૂનો ઇતિહાસ છે. ૧૯૯૮માં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ પછી તરત જ સાઉદી અરેબિયાના તત્કાલીન સંરક્ષણ પ્રધાન પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. તેમણે પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ મથકોની મુલાકાત લીધી હતી. બિલ ક્લિન્ટન તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને આ મુલાકાતે ઘણા ભ્રમ ઊભા કર્યા હતા. ક્લિન્ટન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મુલાકાત ચિંતાજનક હતી. આ પહેલી વાર હતું જ્યારે કોઈ વિદેશીને પાકિસ્તાનમાં કોઈ ગુપ્ત સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. અમેરિકા પણ સ્પષ્ટ નહોતું કે સાઉદી મંત્રીએ પાકિસ્તાનના કહુટામાં યુરેનિયમ સંવર્ધન સુવિધા અને ગૌરી મિસાઈલ સાઇટની મુલાકાત કેમ લીધી હતી. સાઉદી અરેબિયા કે પાકિસ્તાનમાંથી કોઈએ પણ તેનો હેતુ સમજાવ્યો ન હતો.
ભારતના સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો છે, પરંતુ પશ્ચિમ એશિયા સાથે ભારતના સંબંધો વેપાર પૂરતા મર્યાદિત છે. ભારત ખાડીમાં સુરક્ષા ભાગીદાર નથી. બીજી બાજુ, પાકિસ્તાની સૈનિકો હજુ પણ સાઉદી અરેબિયામાં છે. પાકિસ્તાની સૈનિકો હજુ પણ યમનની સરહદ પર સાઉદી અરેબિયામાં તૈનાત છે. ભારતનું નેતૃત્વ સ્થાનિક રાજકારણમાં ખૂબ વ્યસ્ત છે. પશ્ચિમી મિડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાડી દેશોમાં અમેરિકા પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે અને પરિણામે આ ક્ષેત્રના દેશો પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી અને અન્ય દેશો તરફ વળી રહ્યા છે. ૯ સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે દોહામાં એક સ્થાન પર હુમલો કર્યો ત્યારથી ગલ્ફના દેશો વધુ ને વધુ પ્રશ્નો કરી રહ્યા છે કે શું તેઓ તેમની સુરક્ષા માટે અમેરિકા પર વિશ્વાસ કરી શકે છે?
ઇઝરાયલે દોહામાં હવાઈ હુમલો કરીને હમાસના નેતાઓને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઇઝરાયલ કતારની મદદથી યુદ્ધવિરામ માટે વાટાઘાટો પણ કરી રહ્યું હતું, જે સમગ્ર મામલામાં મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું હતું. પાકિસ્તાન સાથેના સુરક્ષા કરાર વિશે વાત કરતાં સાઉદી અરેબિયાના એક અધિકારીએ કહ્યું કે આ કરાર વર્ષોની વાટાઘાટોનું પરિણામ છે. તેને કોઈ એક ઘટના અથવા કોઈ ચોક્કસ દેશની પ્રતિક્રિયા તરીકે જોવો જોઈએ નહીં. ઇઝરાયલી હુમલાઓને કારણે પશ્ચિમ એશિયા વધુ ને વધુ જટિલ બન્યું છે.
અમેરિકા લાંબા સમયથી પશ્ચિમ એશિયામાં સુરક્ષા ગેરંટી તરીકે સેવા આપી રહ્યું છે, પરંતુ ઇઝરાયલી હુમલાઓને કારણે આ ગેરંટી નબળી પડી ગઈ છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ વર્ષે કતાર પર બે હુમલા થયા છે: એક વખત ઈરાન દ્વારા અને એક વખત ઇઝરાયલ દ્વારા. સાઉદી અરેબિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધોમાં સંતુલનની જરૂર છે. ભારત સાથેના અમારા સંબંધો અત્યાર જેટલા મજબૂત ક્યારેય નહોતા. અમે આ સંબંધને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું અને પ્રાદેશિક શાંતિ માટે સાથે મળીને કામ કરીશું. શું પાકિસ્તાન આ સુરક્ષા કરાર હેઠળ સાઉદી અરેબિયાને પરમાણુ સુરક્ષા પણ પૂરી પાડશે? આ પ્રશ્નના જવાબમાં એક સાઉદી અધિકારીએ જણાવ્યું કે આ એક ખૂબ જ વ્યાપક કરાર છે અને બધું જ આવરી લે છે.
અમેરિકામાં ૯/૧૧ના હુમલાની ૨૪મી વર્ષગાંઠ પર જાહેર કરાયેલા એક વિડિયો સંદેશમાં ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ કતારની રાજધાની દોહા પર ઇઝરાયલી હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો. પોતાના લગભગ બે મિનિટના સંદેશમાં નેતન્યાહૂએ પાકિસ્તાન અને ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ અલ-કાયદાનો પીછો કરતી વખતે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને પણ મારી નાખ્યો હતો. ઓસામા બિન લાદેનને ૨ મે ૨૦૧૧ ના રોજ પાકિસ્તાનના એબોટાબાદમાં એક ઓપરેશનમાં યુએસ નેવી સીલ્સ દ્વારા માર્યો ગયો હતો. દોહા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે કતાર સહિત અન્ય દેશોને ચેતવણી આપી હતી કે તેઓ ઉગ્રવાદીઓને આશ્રય ન આપે, નહીં તો ઇઝરાયલ વિદેશમાં આવા હુમલાઓ ચાલુ રાખશે.
ઇઝરાયલી વડા પ્રધાને પોતાના નિવેદનમાં પાકિસ્તાનનો બે વાર ઉલ્લેખ કર્યા બાદ ઘણા સોશ્યલ મિડિયા યુઝર્સ આ અંગે ચર્ચા કરી રહ્યા છે. એક યુઝર મન્સૂર અહેમદ કુરેશીએ લખ્યું કે નેતન્યાહૂ કતારને ચેતવણી આપી રહ્યા છે કે આતંકવાદીઓને અમને સોંપી દો, નહીંતર અમે કાર્યવાહી કરીશું. તેમણે લખ્યું કે આશ્ચર્યજનક છે કે તેમણે દોહામાં ઇઝરાયલી હુમલાને યોગ્ય ઠેરવતાં બે વાર પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું કે પાકિસ્તાન કતાર નથી અને ઇઝરાયલ અમેરિકા નથી.બીજા એક યુઝરે લખ્યું કે ૯/૧૧ ને પોતાની સાથે જોડવું અને તેનો ઉપયોગ બીજા દેશ પરના આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવા માટે કરવો તે બરાબર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.