ઓપરેશન સિંદૂર પછી ભારતના પાકિસ્તાનની સરહદને લાગીને આવેલા વિસ્તારોમાં જે ધરપકડો થઈ રહી છે, તેને જોયા પછી લાગે છે કે પાકિસ્તાને ભારતમાં ગુપ્તચરોની મોટી જાળ બિછાવી રાખી છે. હરિયાણા અને પંજાબ પોલીસે પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપમાં કેટલાંક લોકોની ધરપકડ કરી છે, તેમાં હિસાર સ્થિત ટ્રાવેલ વ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા, કૈથલના મસ્તગઢ ગામના ૨૫ વર્ષીય દેવેન્દ્ર સિંહ, પંજાબના માલેરકોટલાની એક છોકરી અને બીજા એક પુરુષનો સમાવેશ થાય છે. બંને રાજ્યોની પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ લોકો પર કેટલાક પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં હોવાનો અને તેમની સાથે ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી શેર કરવાનો આરોપ છે. પાકિસ્તાની સરકાર કેટલાક યુટ્યુબ ઇન્ફ્લુઅન્સરોનો ઉપયોગ ભારતમાં તેના પ્રચાર માટે પણ કરી રહી હોય તે સંભવ છે.
ભૂતકાળમાં અનેક વખત પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ખૂબસૂરત પાકિસ્તાની યુવતીઓનો ઉપયોગ ભારતના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓને હની ટ્રેપ કરવા માટે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂર જ્યારે કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે પાકિસ્તાની મહિલા પત્રકાર દ્વારા તેમને ફસાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર હરિયાણા અને પંજાબ પોલીસે આ અઠવાડિયે ધરપકડ કરાયેલાં લોકોમાં હરિયાણા ટ્રાવેલ વ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.
જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને લેપટોપમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને કલમ ૧૫૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ જ્યોતિની પાકિસ્તાન મુલાકાત અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત તેનો બીજો એક વિડિયો પણ સમાચારમાં છે, જે ગયા વર્ષે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનની ડિનર પાર્ટીનો છે.
જ્યોતિ મલ્હોત્રા પોતાની ચેનલ પર દેશ અને વિદેશની યાત્રાઓના વિડિયો અપલોડ કરે છે. અત્યાર સુધીમાં તેની ચેનલ પર ૪૦૦ થી વધુ વિડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જ્યોતિ મલ્હોત્રાની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજનું નામ ટ્રાવેલ વિથ જો છે. તેની યુટ્યુબ ચેનલ પર ૩.૭૯ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર ૧.૪૦ લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર તેના ૩.૨૨ લાખ ફોલોઅર્સ છે. તેણે પોતાની ચેનલ પર દેશનાં વિવિધ રાજ્યોની યાત્રાઓથી લઈને વિદેશ યાત્રાઓ સુધીના ઘણા વિડિયો પોસ્ટ કર્યા છે.
જ્યોતિ મલ્હોત્રા માર્ચ અને એપ્રિલમાં પાકિસ્તાન ગઈ હતી. આ સમયગાળાના ઘણા વિડિયો અને રીલ્સ તેની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે. જ્યોતિ તેના વિડિયોમાં મુસાફરી ખર્ચ, સ્થળની વિશેષતા, સ્થાનિક બજાર, વિવિધ વસ્તુઓની કિંમત વગેરે વિશે વાત કરે છે. તેણે ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, થાઇલેન્ડ, ભૂતાન, નેપાળ અને ચીનનો પ્રવાસ કર્યો છે, જેના વિડિયો તેની ચેનલ પર ઉપલબ્ધ છે. તેની ચેનલ પર અપલોડ કરાયેલો સૌથી નવો વિડિયો ઇન્ડોનેશિયા યાત્રાનો છે.
પાકિસ્તાન હાઈ કમિશનની ડિનર પાર્ટીનો જે વિડિયો સમાચારમાં છે તે ૩૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ તેની ટ્રાવેલ વિથ જો ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોની શરૂઆતમાં જ્યોતિ મલ્હોત્રા કહે છે કે તેને પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઇફ્તાર ડિનર પાર્ટી માટે ખાસ આમંત્રણ મળ્યું છે. આ વિડિયોમાં જ્યોતિ એક વ્યક્તિને મળે છે જેને તે દાનિશજી કહે છે, જે તેનો પરિચય અન્ય લોકો સાથે યુટ્યુબર તરીકે કરાવે છે. આ વિડિયોમાં જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને અન્ય યુટ્યુબર્સ અને કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોને મળે છે. ઉપરાંત તે તેના ફોલોઅર્સને પણ તેમના વિશે વાત કરે છે. જ્યોતિ મલ્હોત્રાને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ ગયા વર્ષનો તેનો આ વિડિયો સમાચારમાં આવ્યો છે.
હરિયાણા પોલીસનું કહેવું છે કે જ્યોતિ સતત એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતી અને પૂછપરછ દરમિયાન તેની પાસેથી વધુ માહિતી મેળવવામાં આવશે. હિસારના એસપી શશાંક કુમારે રવિવારે મિડિયાને જણાવ્યું હતું કે આધુનિક યુદ્ધો ફક્ત સરહદ પર જ લડવામાં આવતાં નથી. અમને એક નવી મોડસ ઓપરેન્ડી મળી છે જેમાં પીઆઈઓ કેટલાક સોશ્યલ મિડિયા પ્રભાવકોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તેઓ તેમના પ્રચારને આગળ વધારવા માટે સોફ્ટ પાવરનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ક્રમમાં અમને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા હતા અને તેના આધારે અમે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી છે. તે ઘણી વખત પાકિસ્તાન અને એક વખત ચીનની મુલાકાત લઈ ચૂકી છે. અમે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તેની નાણાંકીય વિગતો અને મુસાફરીનું વિગતવાર વિશ્લેષણ કરી રહ્યા છીએ. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર હિસાર એસપીએ જણાવ્યું હતું કે જ્યોતિ મલ્હોત્રા પીઆઈઓના સંપર્કમાં હતી. પોલીસે જણાવ્યું કે જ્યોતિના મોબાઇલ અને લેપટોપમાંથી કેટલીક શંકાસ્પદ માહિતી મળી આવી છે. જ્યોતિના પિતા હરીશ કુમારે જણાવ્યું કે જ્યોતિ ફક્ત એક જ વાર પાકિસ્તાન ગઈ છે. મારી દીકરી સરકારની પરવાનગીથી ગઈ હતી. મને ખબર નથી કે જ્યોતિ કઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે.
જ્યોતિ ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતી હતી. કોવિડ-૧૯ મહામારી દરમિયાન તેણીએ નોકરી છોડી દીધી હતી અને તે લગભગ ત્રણ વર્ષ પહેલાં ટ્રાવેલ વ્લોગર બની ગઈ હતી. શરૂઆતની તપાસમાં જ્યોતિએ જણાવ્યું હતું કે તે ૨૦૨૩માં વિઝિટર વિઝા માટે પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી. લગભગ બે વર્ષ પહેલાં તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી. તે દાનિશના સંપર્કમાં રહી હતી અને તેણે બે વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. જ્યોતિએ દાનિશનો નંબર પોલીસ સાથે શેર કર્યો છે અને કહ્યું છે કે તે તેના સંપર્કમાં છે. આ મહિને ૧૩ મેના રોજ ભારતે પાકિસ્તાન હાઇ કમિશનના દાનિશને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો અને તેને ૨૪ કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
હરિયાણા પોલીસના સ્પેશ્યલ ડિટેક્ટીવ યુનિટે કૈથલના મસ્તગઢ ગામના રહેવાસી ૨૫ વર્ષીય દેવેન્દ્ર સિંહની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. ડીએસપી વીરભાન સિંહે જણાવ્યું હતું કે આરોપી પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી સહિત ગુપ્ત લશ્કરી માહિતી મોકલવાનો આરોપ છે. દેવેન્દ્ર સિંહને અગાઉ ૧૩ મેના રોજ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ગેરકાયદેસર હથિયારો વિશે પોસ્ટ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
દેવેન્દ્ર સિંહ કરતારપુર સાહિબની મુલાકાત લેવાના બહાને પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં આવ્યો હતો. કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરવામાં આવ્યો ત્યારે એવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે તેનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરવામાં આવશે. આ શંકા સાચી પુરવાર થઈ રહી છે. ભારત પરત ફર્યા પછી દેવેન્દ્ર સેના સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પટિયાલામાં અભ્યાસ કરતા દેવેન્દ્ર સિંહે પોતાના મોબાઈલ ફોનથી આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારના કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા અને તેને ISI એજન્ટોને મોકલ્યા હતા. પોલીસે દેવેન્દ્રનો મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણો જપ્ત કર્યાં છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
પંજાબ પોલીસે માહિતી આપી હતી કે પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત એક અધિકારીને માહિતી લીક કરવાના આરોપસર પંજાબના માલેરકોટલામાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ગુજાલા અને યામીન મોહમ્મદ તરીકે થઈ છે, જેઓ માલેરકોટલાના રહેવાસી છે. પોલીસ ટીમોએ તેના કબજામાંથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલાં આરોપીઓ ગુપ્ત માહિતી શેર કરવાના બદલામાં ઓનલાઈન માધ્યમથી પૈસા લેતાં હતાં. ડીજીપીના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ તેમના ઓપરેટર સાથે સતત સંપર્કમાં હતા અને તેમની સૂચના મુજબ અન્ય સ્થાનિક ઓપરેટરોને પૈસા મોકલતા હતા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.