લાહોર: પાકિસ્તાનની (Pakistan) જેલમાં કેદ ભૂતપૂર્વ વડા પ્રધાન (Former PM) ઈમરાન ખાને (Imran Khan) દાવો કર્યો છે કે જેલમાં (Jail) ‘ધીમા ઝેર’ દ્વારા તેમનો જીવ લેવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે કારણ કે તેમણે દેશ છોડવાનો ઇનકાર કર્યો હતો. ‘હું મારો દેશ છોડવા માટે સંમત નથી, તેના કારણે એક જોખમ છે કે તેઓ (દેશના શક્તિશાળી વર્ગના સંદર્ભમાં) મારો જીવ લેવાનો બીજો પ્રયાસ કરશે જ્યારે હું જેલમાં છું. એક પ્રયાસ ધીમા ઝેર દ્વારા પણ હોઈ શકે છે’, એમ ખાને તેમના પરિવાર દ્વારા શેર કરેલી પોસ્ટ મારફતે કહ્યું હતું.
71 વર્ષીય ખાન સાઇફર કેસમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં છે
પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફના વડાએ કહ્યું હતું, ‘અત્યારે મારું સ્વાસ્થ્ય સારું છે. જો મારા શરીરમાં નબળાઈ કે બીજા કોઈ ફેરફાર થશે તો મને ખબર પડી જશે. પણ તેમણ એ પહેલાં પણ મારો જીવ લેવાના બે પ્રયાસ જાહેરમાં કર્યા હતા.’
ઈમરાનનો દાવો તે દિવસે આવ્યો છે જ્યારે પાકિસ્તાનની એક અદાલતે સાઈફર કેસમાં તેમની વિરૂદ્ધ એફઆઈઆર રદ્દ કરવાની અને તેમને જામીન આપવાની અરજી નામંજૂર કરી હતી. ગયા વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાનના અમેરિકા સ્થિત દૂતાવાસે એક ગુપ્ત રાજદ્વારી કેબલ (સાયફર) મોકલાવામાં આવી હતી. જેની માહિતી ખુલ્લી પાડવા બદલ ઈમરાન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઈમરાનની ધરપકડ કરાઈ હતી. ઈમરાને દાવો કર્યો હતો કે તેમની વિરૂદ્ધ તમામ કેસ ખોટા અને રાજકીય રીતે પ્રેરીત છે જે તેમને ચૂંટણી સુધી અથવા તેના પણ બાદ સુધી જેલમાં રાખવા માટે દાખલ કરવામાં આવ્યા છે.