World

પાકિસ્તાનમાં મોટા ભૂકંપના સંકેતો હોવાનો ડચ સંશોધકનો દાવો, પહેલા આ દેશોમાં ભૂકંપની આગાહી કરી હતી

નવી દિલ્હી: જેણે આ વર્ષની શરૂઆતમાં તુર્કીયે અને સિરીયામાં થયેલા ધરતીકંપોની આગાહી (Prediction) કરી હતી તે ડચ સંશોધકે જણાવ્યું છે કે પાકિસ્તાન નજીક એક ભૂકંપનો (Earthquack) ઉદભવ થઇ શકે છે.

  • સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે જણાવ્યું કે પાકિસ્તાન અને તેની નજીકના વિસ્તારના વાતાવરણમાં દેખાયેલી મોટી ઉઠાપટક આવનાર ભૂકંપનો સંકેત આપે છે
  • જો કે તેમણે પોતે જ કહ્યું કે આ બાબતે સચોટ કહી શકાય તેમ નથી
  • હૂગરબીટ્સે જ તુર્કીયે અને સીરિયાના ભૂકંપોની સચોટ આગાહી કરી હતી

આ સંશોધકનું નામ ફ્રેન્ક હૂગરબીટ્સ છે અને સોલાર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે(એસએસજીઇઓએસ) ખાતે તે એક વૈજ્ઞાનિક છે. હૂગરબીટ્સે જણાવ્યું છે કે પાકિસ્તાનના અને પાકિસ્તાન નજીકના ભાગોમાં વાતાવરણીય ઉઠાપટક જણાઇ છે અને આ એક આવી રહેલ વધુ મજબૂત આંચકાનો સંકેત છે. જો કે તેમણે પોતે કહ્યું છે કે આ બાબતે એકદમ ચોક્કસ કહી શકાય તેમ નથી.

હૂગરબીટ્સે કરેલી આ આગાહીથી સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનમાં સંભવિત ભૂકંપ અંગે અટકળોને વેગ મળ્યો છે. ચિંતાને વધુ વેગ એના કારણે મળ્યો છે કે તેમણે તુર્કીયે અને સીરિયાના ભૂકંપોની સચોટ આગાહી કરી હતી. જો કે ભૂસ્તરશાસ્ત્રના ઘણા નિષ્ણાતો હૂગરબીટ્સને એક સ્યુડો સાયન્ટિસ્ટ ગણાવે છે અને કહે છે કે તે કઇ રીતે ધરતીકંપોની આગાહી થઇ શકે. તે એક ખોટો ખયાલ રજૂ કરે છે. જે રીતે વાવાઝોડાની આગાહી કરી શકાય છે તે રીતે ભૂકંપની ચોક્કસ આગાહી કરવાની કોઇ વ્યવસ્થા હજી વિકસાવી શકાઇ નથી.

ઇટાલીનું નેપલ્સ ભૂકંપથી હચમચ્યું: જ્વાળામુખી ફાટવાનો ભય
નેપલ્સ: ઇટાલીના કેમ્પી ફ્લેગ્રેઇના જ્વાળામુખી પ્રદેશમાં ૪ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો અને તેના આંચકા નજીકના જાણીતા નેપલ્સ શહેરમાં પણ લાગ્યા હતા, અને હવે નેપલ્સ સહિતના વિસ્તારોના લોકો અહીં જ્વાળામુખી ફાટવાના ભયનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી અહીં આંચકાઓ અનુભવાઇ રહ્યા હતા જેના પછી આ પ્રમાણમાં મોટો આંચકો લાગ્યો છે. આ ધરતીકંપને પગલે નેપલ્સમાં કેટલાક મકાનોને નુકસાન થયું હતું અને રસ્તા પર ઉભેલી કારો પર પણ કાટમાળ પડેલી હતી. તાજેતરમાં કેટલાક દિવસથી વધેલી ભૂગર્ભીય પ્રવૃતિ વચ્ચે હવે અહીં એવો ભય સેવાઇ રહ્યો છે કે કેમ્પી ફ્લેગ્રેઇ જ્વાળામુખી ફાટશે. આ એક સુષુપ્ત જ્વાળામુખી છે અને છેલ્લા કેટલાયે સમયથી તે શાંત છે પણ જૂનમાં જ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ જ્વાળામુખી હવે ફરીથી ફાટવાના આરે આવી ગયો છે અને તે ફાટી શકે છે. જો આ જ્વાળામુખી ફાટે તો તેની આજુબાજુ રહેતા પાંચ લાખ જેટલા લોકોને રાખ, લાવા વગેરેનો મોટો ભય છે. નેપલ્સ શહેર વળી બંને બાજુએથી જ્વાળામુખીઓથી ઘેરાયેલું છે. અહીં લોકોની સલામતી માટેની તૈયારીઓ થઇ રહી છે.

Most Popular

To Top