લાહોર: તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના (Pakistan) પંજાબ (Punjab) પ્રાંતમાં સરકારી વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ (Flour) મેળવવાનો પ્રયાસ કરતી વખતે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 11 લોકો મૃત્યુ (Death) પામ્યા છે. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આસમાની મોંઘવારીને હરાવવા માટે રોકડ-સંકટગ્રસ્ત પાકિસ્તાની સરકારે ગરીબો માટે ખાસ કરીને પંજાબ પ્રાંતમાં મફત લોટ યોજના શરૂ કર્યા પછી ઘણા લોકો સરકારી વિતરણ કેન્દ્રો પર ઊમટી પડ્યા બાદ મૃત્યુ નોંધાયા હતા. આ યોજનાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાનો સામનો કરવાનો છે.
દક્ષિણ પંજાબના ચાર જિલ્લાઓ – સાહિવાલ, બહાવલપુર, મુઝફ્ફરગઢ અને ઓકારામાં મફત લોટ કેન્દ્રો પર મંગળવારે નાસભાગ થતાં બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષનું મૃત્યુ થયું હતું, જ્યારે 60 અન્ય લોકો ઘાયલ થયા હતા. અન્ય જિલ્લાઓ જ્યાં મૃત્યુ નોંધાયા છે તે ફસૈલાબાદ, જહાનિયા અને મુલતાન છે. મફત લોટ મેળવવા માટે લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહીને રાહ જોઈ રહેલા નાગરિકો સાથે મારપીટ અને લાઠીચાર્જ કરીને કેન્દ્રો પર અવ્યવસ્થા સર્જવા માટે પોલીસને દોષી ઠેરવવામાં આવી છે.
મુઝફ્ફરઘર અને રહીમ યાર ખાન શહેરોમાં મફત લોટની ટ્રકોની લૂંટને પગલે સુરક્ષા દળોએ પણ કડક અભિગમ અપનાવ્યો હતો. પંજાબના કાર્યવાહક મુખ્ય મંત્રી મોહસિન નકવીએ બુધવારે નાગરિકોની ભીડ અને અસુવિધા ઘટાડવા સમગ્ર પ્રાંતમાં સવારે 6 વાગ્યે મફત લોટ કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી હતી. બુધવારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, પ્રાંતીય મંત્રીઓ અને સચિવો આગામી ત્રણ દિવસ સુધી સોંપાયેલ જિલ્લાઓમાં ફરજ બજાવશે, લોટ કેન્દ્રોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું જાતે મૂલ્યાંકન કરશે.
દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને મફત લોટ કેન્દ્રો પરના ગેરવહીવટ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સરકારની નિંદા કરી છે અને નિર્દોષ લોકોના મૃત્યુ માટે વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પંજાબના કાર્યવાહક મુખ્ય મંત્રી નકવીને જવાબદાર ઠેરવ્યા છે.