Editorial

આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે

તુર્કમેનિસ્તાનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કક્ષની બહાર ૪૦ મિનિટ રાહ જોતા બેસી રહ્યા હતા એ પછી પણ પુતિન મળવા આવ્યા નહીં. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ૪૦ મિનિટ રાહ જોવાની ફરજ પાડી હતી અને પછી તેમને મળવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શાંતિ અને ટ્રસ્ટ ફોરમમાં ઘણા દેશોના વડાઓએ ભાગ લીધો હતો.

એમાં પુતિન અને શાહબાઝ શરીફ પણ હાજર હતા. આ પરિષદની સાઇડલાઇન્સમાં સભ્યદેશોના રાજકારણીઓમાં દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી, જેમાંથી એક બેઠક શાહબાઝ શરીફ અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાવાની હતી. શાહબાઝ શરીફ પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડાર સાથે સમયસર બેઠકસ્થળે પહોંચ્યા અને તેમના સાથીઓ સાથે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની રાહ જોઈ. તેમણે લગભગ ૪૦ મિનિટ સુધી પુતિનની રાહ જોઈ. જોકે ટર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગન સાથે દ્વિપક્ષીય બેઠકમાં વ્યસ્ત પુતિન શાહબાઝ શરીફને મળી શક્યા નહીં. લાંબી રાહ જોયા પછી શરીફે ઓછામાં ઓછી થોડી મિનિટો માટે પુતિનને મળવાનું નક્કી કર્યું.

આ ઉતાવળમાં તેઓ એ રૂમમાં પ્રવેશ્યા જ્યાં પુતિન ટર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયપ એર્દોગન સાથે બંધબારણે વાતચીત કરી રહ્યા હતા. લગભગ ૧૦ મિનિટ પછી શરીફ બહાર આવ્યા હતા. આ ઘટનાથી પાકિસ્તાને સમજી લેવું જોઇએ કે ભલે તેઓ કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાની લાખ કોશિશ કરે પરંતુ આ સ્તરે પાકિસ્તાનનું માન-સન્માન કેટલું છે તે કહેવાની ભારતે જરુર રહેતી નથી.

એક તરફ વ્લાદિમિર પુટિન તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રોટોકોલ તોડીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની કારમાં બેસાડવાનો આગ્રહ રાખે છે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાનને રાહ જોવડાવે છે. તો બીજી તરફ આ સપ્તાહમાં જ એક લંડનનો વીડિયો બહાર આવ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અધિકારીઓને મળવા બ્રિટનના વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ આ વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રિટિશ પોલીસે પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીની કાર રોકીને તલાશી લીધી હતી. વીડિયોમાં દેખાય છે કે આ કોઈ સામાન્ય રૂટિન ચેકિંગ નહોતું.

પોલીસે દરેક ખૂણેથી નકવીની કાર તપાસી હતી. નકવીની કારની તલાશી કેમ લેવામાં આવી એનું કારણ તો સ્પષ્ટ નથી, પણ એવું માનવામાં આવે છે કે બૉમ્બ કે ડ્રગ્સના શકમાં પોલીસે આ સર્ચ ઑપરેશન કર્યું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સાખ કેવી છે અને દુનિયા ત્યાંના લોકોને કેવી નજરે જુએ છે. પાકિસ્તાનની ફિતરત એવી છે કે ત્યાંની સરકાર, આર્મી અધિકારીઓ, શહબાઝ સરકારના મંત્રીઓ અને સામાન્ય લોકો પર પણ દુનિયા બિલકુલ ભરોસો કરતી નથી. એટલે જ પાકિસ્તાની નેતાઓને વિદેશમાં વારંવાર બેઇજ્જતીનો સામનો કરવો પડે છે. પોતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હોય કે બીજા કેબિનેટ મંત્રીઓ સહિતની ક્યાંકને ક્યાંક બેઇજ્જત થઈ ચૂકી છે. આ નકવી એવું વ્યક્તિત્વ છે જે સામે ચાલીને દુનિયામાં પાકિસ્તાનની ફજેતી કરે છે.

આ પહેલા નકવીએ અશિયા કપમાં પણ શર્મનાક હરકત કરી હતી જે પાકિસ્તાનને જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના ક્રિકેટપ્રેમીઓ માટે આઘાતજનક હતી. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલ મેચ જીતી હતી. આ મેચ પહેલા જ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપની ફાઇનલ મેચ જીતે તો ભારતીય ટીમ ACCના અધ્યક્ષ મોહસિન નકવીના હાથેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવીએ આ જ કારણથી ટ્રોફી તેની સાથે લઈ ગયો હતો.

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નકવીએ ટ્રોફી એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાને હજી સુધી ટ્રોફી મળી નથી. તેની પાછળ નકવીની મોટી ચાલ છે અને હવે તેના વિશે જાણકારી મળી ગઈ છે. જ્યારે નકવી પાસેથી ટ્રૉફી પાછી લેવામાં આવી ત્યારે એવા સમાચાર આવ્યા હતા કે હવે ટ્રોફી પાછી ભારતને આપવામાં આવશે. પણ અત્યાર સુધી આવું થયું નહીં. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે એશિયા કપની ટ્રોફી દુબઈમાં ACCના હેડક્વોટરમાં લોક છે. નકવીએ એવો આદેશ આપ્યો છે કે ટ્રોફી તેની મંજૂરી વગર ત્યાંથી કોઈ લઈ નહીં શકે, અને ભારતને સોંપવામાં પણ નહીં આવે. નકવીએ ટ્રોફીની ચોરી કર્યા પછી સોશિયલ મીડિયામાં નકવીને ટ્રોલ કરવામાં આવ્યો તેમ છતાં, તે હજુ પણ ટ્રોફી સોંપવાનો ઇન્કાર કરી રહ્યો છે, અને એવું લાગે છે કે હવે ICC તેની સામે કડક કાર્યવાહી કરશે.

Most Popular

To Top