બાંગ્લાદેશ 27 ફેબ્રુઆરી (ગુરુવાર) ના રોજ ICC ચેમ્પિયન્સ ટ્રોફીના 9મી મેચમાં પાકિસ્તાન સામે ટકરાવવાનું હતું. જોકે, રાવલપિંડી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. વરસાદને કારણે ટોસ પણ શક્ય બન્યો ન હતો.
મેચ રદ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ ફાળવી દેવાયો હતો. બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ હતી. આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને ભારત અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા હતા. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે, બંને ટીમોમાંથી કઈ ટીમ નંબર 1 પર રહેશે તે 2 માર્ચે નક્કી થશે.
ન્યુઝીલેન્ડની ટીમ બે મેચમાં બે જીત સાથે આ ગ્રુપમાં ટોચ પર છે. કિવી ટીમનો નેટ રન રેટ 0.863 છે. બીજી તરફ, ભારતીય ટીમ હાલમાં બે મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. ભારતના 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.647 છે. બાંગ્લાદેશ ત્રીજા સ્થાને રહ્યું જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાને રહ્યું. બંને ટીમોનો એક-એક પોઈન્ટ હતો પરંતુ સારા નેટ રન રેટને કારણે બાંગ્લાદેશ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું.
બાંગ્લાદેશને તેની પહેલી મેચમાં ભારત સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેને ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પાકિસ્તાનનો શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ સામે 60 રને પરાજય થયો હતો. ત્યારબાદ ભારતીય ટીમ સામે તેનો 6 વિકેટથી કારમી હાર થયો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટીમો જીત્યા વિના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
