World

પાકિસ્તાનનો કંદહાર એરપોર્ટ નજીક એરલાઇન ઇંધણ ડેપો પર હુમલો? તાલિબાનનો આરોપ, સરહદે તણાવ વધ્યો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે પાકિસ્તાન વાયુસેનાએ કંદહાર એરપોર્ટ નજીક આવેલી ખાનગી એરલાઇન ‘કામ એર’ના ઇંધણ ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ ડેપો સ્થાનિક એરલાઇન્સ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના વિમાનોને પણ ઇંધણ પૂરું પાડતો હતો. તેમણે આક્ષેપ કર્યો કે પાકિસ્તાન અગાઉ પણ રાષ્ટ્રીય વેપારી હાજી ખાન ઝાદાહના ઇંધણ ડેપોને નિશાન બનાવી ચૂક્યું છે.

આ વચ્ચે ડ્યુરન્ડ લાઇન નજીક સંઘર્ષ વધુ તેજ બન્યો છે. અહેવાલો મુજબ પાકિસ્તાની સેનાએ ખોસ્ત પ્રાંતના અલીશર-તેરેઝાઈ વિસ્તારમાં તોપમારા કર્યા, જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. ફેબ્રુઆરીથી બંને દેશો વચ્ચે સરહદે હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને કાબુલ સહિત અફઘાનિસ્તાનના અનેક શહેરોને નિશાન બનાવી હવાઈ હુમલા શરૂ કર્યા હોવાનું પણ કહેવામાં આવે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ પરિસ્થિતિને “ખુલ્લું યુદ્ધ” ગણાવ્યુ છે. તેમણે તાલિબાન પર વૈશ્વિક આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે 26 ફેબ્રુઆરીએ ડ્યુરન્ડ લાઇન પર થયેલી બદલો લેવાની કાર્યવાહીમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

2021માં તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછીથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે. નોંધનીય છે કે ટીટીપીની રચના 2007માં પાકિસ્તાનમાં થઈ હતી. તે અફઘાન તાલિબાનથી અલગ સંગઠન હોવા છતાં બંને વચ્ચે વૈચારિક અને સામાજિક સંબંધો હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી અને ટીટીપી દ્વારા હુમલાઓમાં વધારો થયો છે, જેના કારણે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા સરહદી પાકિસ્તાની પ્રાંતો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

Most Popular

To Top