World

પાકિસ્તાની સેનાની 1999ના કારગિલ યુદ્ધમાં સીધી સંડોવણી હોવાનું આખરે પાકિસ્તાને સ્વીકાર્યું

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ દિવસ સમારોહમાં, આર્મી સ્ટાફના વડા જનરલ સૈયદ અસીમ મુનીરે ભારત સામે 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી ભૂમિકાને સ્વીકારી હતી. પાકિસ્તાનના રાવલપિંડીમાં પાકિસ્તાની સૈન્યના જનરલ હેડક્વાર્ટર (જીએચક્યુ)માંથી આ પ્રકારની પ્રથમ કબૂલાત સામે આવી છે. આર્મી ચીફ (સીઓએએસ) જનરલ સૈયદ અસીમ મુનીરે ભારત સામે 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી ભૂમિકાને સ્વીકારી છે. શુક્રવારે પોતાના સંરક્ષણ દિવસના ભાષણમાં મુનીરે ભારત સાથેના ત્રણ યુદ્ધ તેમજ કારગિલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાકિસ્તાની સશસ્ત્ર દળોના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • કારગિલ હુમલામાં સીધી ભૂમિકા હોવાનું 25 વર્ષે પાકિસ્તાને જાહેરમાં કબુલ્યું
  • પાકિસ્તાની સૈન્યના વડા જનરલ સૈયદ અસીમ મુનીરે પાકિસ્તાની સંરક્ષણ દિવસ સમારોહમાં કબુલાત કરી

તેમણે જીએચક્યુમાં હાજર રહેલા લોકોને કહ્યું હતું કે નિશ્ચિતપણે પાકિસ્તાની રાષ્ટ્ર એક શક્તિશાળી અને બહાદુર રાષ્ટ્ર છે, જે સ્વતંત્રતાના મૂલ્યને સમજે છે અને તેને કેવી રીતે જાળવી રાખવું તે જાણે છે. 1948, 1965, 1971માં પાકિસ્તાન અને ભારત વચ્ચે કારગિલ યુદ્ધ હોય કે પછી સિયાચીનમાં યુદ્ધ, દેશની સુરક્ષા માટે હજારો લોકોએ પોતાની જીવનનું બલિદાન આપીને શહીદ થયા. મુનીરનું આ નિવેદન કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યની સીધી ભૂમિકા પર વર્તમાન સૈન્ય પ્રમુખ દ્વારા તેના પ્રકારનું પ્રથમ કબૂલાત માનવામાં આવે છે. આ એક એવું વલણ છે જેને ઇસ્લામાબાદે છેલ્લા 25 વર્ષથી અપનાવવાનું ટાળતું આવ્યું છે.

પાકિસ્તાન કારગીલમાં પોતાની ભૂમિકા હોવાનું હંમેશા નકારતું આવ્યું છે
1999ના કારગીલ યુદ્ધમાં કોઈપણ સંડોવણીનો અત્યાર સુધી પાકિસ્તાન નકારતું રહ્યું છે અને એવો દાવો કરતું રહ્યું હતું કે તે કાશ્મીરના ‘સ્વતંત્રતા સેનાનીઓ’ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હતી. માજી સૈન્ય પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે હંમેશા દાવો કર્યો હતો કે કારગીલ ઓપરેશન સફળ સ્થાનિક ઓપરેશન હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન મુશર્રફે કહ્યું હતું કે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને ભારત સાથેની અંકુશ હરોળ (એલઓસી) પર સશસ્ત્ર દળો દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયો માટે સેના પ્રમુખની મંજૂરીની પણ જરૂર નહોતી. જો કે, મુશર્રફે સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાન આર્મીની 10 કોર્પ્સ એફસીએનએ (ફોર્સ કમાન્ડ નોર્ધન એરિયાઝ)ની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો.

પાકિસ્તાની સૈન્યએ પોતાના ઘણા સૈનિકોના મૃતદેહ લીધા નહોતા
એ પણ હકીકત છે કે પાકિસ્તાની સૈન્યના ઘણા જવાનોના મૃતદેહ કારગીલથી પાછા લાવવામાં આવ્યા ન હતા. આ કારણે તેમના પરિવારજનોએ મૃતદેહોનો કબજો લેવાની પાકિસ્તાન સરકાર અને સૈન્યની અનિચ્છા પર સવાલ ઉઠાવ્યા હતા. કારગીલમાં માર્યા ગયેલા આર્મી ઓફિસર કેપ્ટન ફરહત હસીબના ભાઈ ઇતરત અબ્બાસે કહ્યું હતું કે અમે અમને મળવા આવેલા અધિકારીઓને અમે સતત અમારા પ્રિયજનોના મૃતદેહ પરત લાવવાના પ્રયાસો કરવા કહેતા રહ્યા હતા. હું માનું છું કે તેઓએ વધુ પ્રયત્નો કરવા જોઈતા હતા પણ તેઓએ તે કર્યું નહોતું. તેણે એ વાતની પુષ્ટિ કરી હતી કે કારગીલમાં પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને સૈનિકો તૈનાત હતા.

પરવેઝ મુશર્રફે ઓપરેશનની જવાબદારી લીધી ન હતી
દિવંગત કેપ્ટન અમ્માર હુસૈનની માતા રેહાના મહેબૂબે સ્વીકાર્યું હતું કે કારગિલ યુદ્ધ દરમિયાન તેને સૈન્ય યુનિટ અને તેના પુત્રના મિત્રો તરફથી સતત ફોન આવતા હતા. તેમણે કહ્યું કે તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફે આ ઓપરેશનની જવાબદારી પણ લીધી ન હતી. પરિવારજનો, તત્કાલીન પાકિસ્તાની સરકારી અધિકારીઓ અને તત્કાલીન આર્મી ચીફ દ્વારા આપવામાં આવેલા ઉપરોક્ત નિવેદનો એ દર્શાવવા માટે પૂરતા પુરાવા છે કે તત્કાલિન વડાપ્રધાન શરીફને અંધારામાં રાખવામાં આવ્યા હતા પણ આર્મી કમાન્ડને કારગીલ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી હતી.

Most Popular

To Top