World

કતારની મધ્યસ્થીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા

કતારની મધ્યસ્થીમાં દોહામાં યોજાયેલી મહત્વપૂર્ણ વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોએ યુદ્ધવિરામને કાયમી અને અસરકારક બનાવવા માટે આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે કતારની રાજધાની દોહામાં શાંતિ મંત્રણા યોજાઈ હતી. તુર્કીની મધ્યસ્થીમાં યોજાયેલી આ વાટાઘાટોમાં બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતાર સરકારે જણાવ્યું કે આ ચર્ચા શાંતિની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને બંને દેશો આગામી દિવસોમાં વધુ બેઠક કરીને યુદ્ધવિરામને કાયમી બનાવશે.

છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં બંને દેશોની સરહદ પર થયેલી અથડામણોમાં ઘણા લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ અથડામણો 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછીના સૌથી ગંભીર સંઘર્ષોમાંના એક ગણાય છે.

અફઘાનિસ્તાન તરફથી આ વાટાઘાટોમાં સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે ભાગ લીધો હતો. જ્યારે પાકિસ્તાન તરફથી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ હાજર રહ્યા હતા. બંને દેશોએ માન્યતા આપી કે સતત તણાવ બંને માટે નુકસાનકારક છે અને શાંતિ જ બંને દેશોના હિતમાં છે.

અફઘાન સૂત્રોના દાવા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાની સૈન્યએ અફઘાનિસ્તાનની સરહદનું 1,200થી વધુ વખત ઉલ્લંઘન કર્યું છે. જ્યારે 710થી વધુ વખત હવાઈ હુમલાઓ કર્યા છે. તાજેતરમાં કાબુલ પર પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તણાવ વધુ ઉગ્ર બન્યો હતો. અફઘાનિસ્તાને જણાવ્યું કે તેણે માત્ર આત્મરક્ષામાં પ્રતિસાદ આપ્યો હતો. જે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યોગ્ય છે.

પાકિસ્તાની હુમલાઓમાં 102 નાગરિકો અને અફઘાન સરહદી રક્ષકોના મોત થયા છે. જ્યારે 139થી વધુ લોકો ઘાયલ થયા છે. હવાઈ હુમલાઓના કારણે નુરિસ્તાન, નંગરહાર અને ખોસ્ત જેવા વિસ્તારોમાં ઘણા ઘરો અને દુકાનો નાશ પામ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાને અનેક વાર રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો હોવા છતાં પાકિસ્તાન તરફથી ઉલ્લંઘન ચાલુ રહ્યું છે. કતારમાં થયેલી આ નવી શાંતિ મંત્રણા હવે બંને દેશો માટે નવી આશા રૂપ છે. જો આ યુદ્ધવિરામ કાયમી રૂપ લે છે. તો તે માત્ર દક્ષિણ એશિયાના સ્થાયી શાંતિ માટે જ નહીં પરંતુ બંને દેશોના નાગરિકોના જીવન માટે પણ રાહતરૂપ સાબિત થશે.

આ સમજૂતીને એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ માટે એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. હવે નજર એ પર રહેશે કે આ યુદ્ધવિરામ કેટલો ટકાઉ સાબિત થાય છે.

Most Popular

To Top