ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં આવે એવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કર્યા પછી તેમના તરફથી એવું કહેવાયું હતું કે ICCએ માત્ર ભારત નહીં આવે એટલું જ કહ્યું પણ સૂચિત હાઇબ્રિડ મોડલ અંગે તો કંઇ વાત જ ન કરી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ કહ્યું છે કે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલ અપનાવવા તૈયાર નથી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું હતું કે તેઓએ આ અંગે BCCI સાથે કોઈ સત્તાવાર વાત કરી નથી, ન તો BCCIએ કોઈ સત્તાવાર વાંધો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે PCBના વડા મોહસિન નકવી ઇચ્છે છે કે ICC આ અંગે તેમની સાથે વાત કરે.
નકવીએ એમ પણ કહ્યું કે તેણે કહ્યું હતું કે જો અમને ભારત તરફથી કોઈ પત્ર મળશે, તો અમે અમારી સરકાર પાસે જઈશું અને તેમના નિર્ણયને સ્વીકારીશું. આ પહેલા ગયા વર્ષે પાકિસ્તાને ભારત માટે મોટું દિલ બતાવતા, હાઈબ્રિડ મોડલ પર એશિયા કપનું આયોજન કર્યું હતું અને વન ડે વર્લ્ડકપ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો પણ દર વખતે એવું ન થઇ શકે. જો એવું હોય તો હવે પછી અમે પણ ભારતમાં કોઇ ટૂર્નામેન્ટ માટે અમારી સરકાર પાસે મંજૂરી માગીશુ.
ICCએ PCBને કહ્યું હતું કે BCCI આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. BCCIએ આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને જાણ કરી હતી. PCBના એક માહિતગાર સૂત્રએ જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજવા અંગે કોઈ વાત કરવામાં આવી નથી. ગયા વર્ષે એશિયા કપમાં હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું જ્યારે ભારતની મેચો શ્રીલંકામાં રમાઈ હતી અને બાકીની તમામ મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી. એવી અટકળો છે કે ભારતની મેચ દુબઈમાં યોજાઈ શકે છે.
સૂત્રએ કહ્યું હતું કે હાલમાં PCB સમગ્ર સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યું છે અને આગળના પગલાં અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. જો જરૂરી હોય તો PCB સલાહ અને સૂચનાઓ માટે સરકારના સંપર્કમાં છે. PCB તેના કાયદાકીય સલાહકારો સાથે વાત કર્યા પછી, ICCને એક ઈમેલ મોકલીને ભારતના નિર્ણય અંગે સ્પષ્ટતા માગશે. સૂત્રએ એમ પણ કહ્યું કે જો પાકિસ્તાન સરકાર ભારત સાથે ક્રિકેટ સંબંધો અંગે કડક નિર્ણય લેશે તો આઇસીસી માટે કાયદાકીય પરિણામો આવી શકે છે. વ્યાપારી ભાગીદારો તરફથી કાનૂની પરિણામો આવી શકે છે કારણ કે આઇસીસીએ બ્રોડકાસ્ટર્સ અને પ્રાયોજકોને કહ્યું છે કે તમામ ટોચના ક્રિકેટ રમતા રાષ્ટ્રો ટુર્નામેન્ટમાં ભાગ લેશે એવું તેમણે કહ્યું હતું. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમો એકબીજા સાથે માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ રમે છે.