National

પહલગામ આતંકી હુમલો:કેમેરાની લાઇન ચીન સુધી

NIAએ GoPro કેમેરા મામલે ચીન પાસે માગી મદદ

ગયા વર્ષે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામ નજીક આવેલા બૈસારન મેદાનમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. National Investigation Agency (NIA)એ હુમલા સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ GoProના GoPro Hero 12 Black કેમેરા વિશે વધુ માહિતી મેળવવા માટે ચીનનો સંપર્ક કર્યો છે.

તપાસ દરમિયાન મળેલા આ કેમેરા અંગે જાણવા મળ્યું કે તેનો સપ્લાય ચીનમાં આવેલા ડિસ્ટ્રિબ્યુટર સુધી પહોંચે છે. NIAએ જમ્મુની કોર્ટમાં અરજી કરીને વિદેશી દેશ પાસેથી માહિતી મેળવવા માટે લેટર રોગેટરી (LR) જારી કરવાની મંજૂરી માગી હતી. કોર્ટએ તપાસને ધ્યાનમાં રાખીને એજન્સીને આ અરજી મંજૂર કરી છે.

તપાસ એજન્સી મુજબ, આ કેમેરા આતંકી હુમલા પહેલાં થયેલી રેકી, આતંકીઓની અવરજવર અને ઓપરેશનની તૈયારી વિશે મહત્વપૂર્ણ પુરાવા આપી શકે છે. કેમેરાનો સીરિયલ નંબર તપાસમાં મહત્વનો સાબિત થઈ રહ્યો છે, જેના આધારે તેની સપ્લાય ચેઇન ટ્રેસ કરવામાં આવી રહી છે.

NIAએ અગાઉ નેધરલેન્ડ્સમાં આવેલી GoPro B.V. સાથે પણ સંપર્ક કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે આ કેમેરા ચીનની AE Group International Limited નામની કંપનીને સપ્લાય કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું કે આ ડિવાઇસ 30 જાન્યુઆરી 2024ના રોજ ચીનના ડોંગુઆનમાં એક્ટિવેટ થયો હતો.

વધુમાં કંપનીએ જણાવ્યું કે તેમના પાસે અંતિમ ખરીદદારો અથવા ઉપયોગકર્તા વિશેની વિગત ઉપલબ્ધ નથી. તેથી હવે આ માહિતી મેળવવા માટે ચીનની સત્તાઓની ન્યાયિક સહાય જરૂરી બની છે.

ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 25 પર્યટકો અને એક પોની ઓપરેટરનું મોત થયું હતું, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યારબાદ ભારતે Operation Sindoor અંતર્ગત આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી.

પછી સુરક્ષા દળોએ જુલાઈમાં થયેલા એક એન્કાઉન્ટરમાં આ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે તપાસ હજુ પણ આગળ વધી રહી છે.

Most Popular

To Top