પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાં પહેલગામના આતંકી હુમલા જેવી ઘટના બની છે. અહીં ગુરુવારની રાત્રે બંદૂકધારીઓએ એક બસને નિશાન બનાવી હતી. અહીંના ઝોબ ક્ષેત્રમાં આતંકવાદીઓએ લાહોર જતી બસમાં મુસાફરી કરી રહેલા 9 મુસાફરોની હત્યા કરી. બંદૂકધારીઓએ હાઇવે પર બસ રોકી હતી. મુસાફરોના ઓળખપત્રોની તપાસ કર્યા પછી તેઓએ તેમને બસમાંથી નીચે ઉતાર્યા અને પછી ગોળી મારી દીધી. અત્યાર સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
ઝોબના આસિસ્ટન્ટ કમિશનર નવીદ આલમે જણાવ્યું હતું કે ઝોબ હાઇવે પર ક્વેટાથી લાહોર જઈ રહેલી બસને બંદૂકધારીઓએ રોકી હતી. ત્યારબાદ તેઓ બસમાં ચઢી ગયા અને મુસાફરોના ઓળખપત્રોની તપાસ કરી. પંજાબ પ્રાંતના ઓળખપત્ર ધરાવતા નવ મુસાફરોને બસમાંથી ઉતારીને ગોળી મારી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે નવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને દફન પ્રક્રિયા માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે.
આ પહેલી વાર નથી જ્યારે આતંકવાદીઓએ પંજાબ પ્રાંતના લોકો અને બલુચિસ્તાનના વિવિધ હાઇવે પર દોડતી પેસેન્જર બસોને નિશાન બનાવી હોય. કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ બલુચ જૂથો દ્વારા હુમલો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે તેઓએ અગાઉ પણ પંજાબના લોકોને નિશાન બનાવ્યા છે.
ક્વેટા, લોરાલાઈ અને માસ્તુંગમાં હુમલાઓ
દરમિયાન આતંકવાદીઓએ ક્વેટા, લોરાલાઈ અને માસ્તુંગ પર પણ હુમલો કર્યો, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે દાવો કર્યો કે સુરક્ષા દળોએ હુમલાઓ અટકાવી દીધા. તેમણે કહ્યું કે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ગરીબ પ્રદેશ છે
ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલું, બલુચિસ્તાન લાંબા સમયથી હિંસક બળવાખોરીનું કેન્દ્ર રહ્યું છે. બલુચિસ્તાનમાં ગેસ, ખનિજો અને દરિયાકાંઠાની સંપત્તિ જેવા કુદરતી સંસાધનો છે છતાં તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી અવિકસિત પ્રદેશ છે. બલુચિસ્તાન બળવાખોર જૂથો ઘણીવાર સુરક્ષા કર્મચારીઓ, સરકારી પ્રોજેક્ટ્સ અને 60 બિલિયન યુએસ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને હુમલા કરે છે.