Columns

પહલગામ હુમલો સંજોગો બદલાયા, સવાલો નહીં, ફેલાયેલી દહેશતનો જવાબ ક્યાં?

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા. એ તસવીરો, એ વીડિયોઝ, એ ગોળીઓના અવાજો કાળજું કંપાવે એવા છે. મૃત્યુ પામાનારા મોટાભાગના લોકો પ્રવાસીઓ છે. ધરતી પરનું સ્વર્ગ નિહાળવા ગયેલા લોકોને સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે આ પ્રવાસ તેમની અંતિમ યાત્રાનું કારણ બનશે. ઑગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ આ સૌથી જીવલેણ હુમલો છે. આ હુમલો થયો ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ પર હતા અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ ચાર દિવસના ભારત પ્રવાસે હતા. કેટલાક દિવસ પહેલાં પાકિસ્તાનના આર્મી પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે એમ કહ્યું હતું કે વિશ્વની કોઈ તાકાત કાશ્મીરના પાકિસ્તાનથી અલગ નહીં જ કરી શકે. સ્વાભાવિક રીતે જ વડા પ્રધાન પોતાનો પ્રવાસ અધૂરો મૂકીને પાછા ફર્યા છે.
કાશ્મીરને એક સફળ અને સરસ ટુરિસ્ટ સિઝનની અપેક્ષા હતી પણ પાકિસ્તાન અને તેનું પ્રતિનિધિત્વ કરનારાઓએ કાશ્મીરમાં થોડા ઘણે અંશે આવેલી નોર્મલ પરિસ્થિતિને ફુરચા ઉડાડી દીધા. છેલ્લા 36 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં સાધારણ નાગરિકો પર ઘણા હુમલા થયા છે પણ આ હુમલામાં વૈમનસ્યનું પ્રમાણ પરાકાષ્ઠા પાર કરી ગયું. જ્યારે મુંબઈમાં કસાબ અને તેના સાથીઓએ 126 લોકોને આતંકી હુમલામાં મારી નાખ્યા ત્યારે તેમણે લોકોનો ધર્મ શું છે તે નહોતું પૂછ્યું. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા એવું કહી શકાય પણ એક સત્ય એ પણ છે કે જે હિંદુ કલમા બોલી શક્યો તે બચી ગયો અને જે માણસ હિંદુ નહોતો, ખ્રિસ્તી હતો અને કલમા ન બોલી શક્યો તેણે પણ જીવ ગુમાવ્યો. આ આતંકવાદીઓ માટે માણસનું મુસલમાન ન હોવું જ તેમને મારી નાખવા માટે પુરતું હતું.
પાકિસ્તાન ડીપ સ્ટેટ અને સૈન્યને આ કૃત્ય માટે જવાબદાર ગણી શકાય. એ લોકો સારી પેઠે જાણે છે કે ભારતના કોમી એખલાસને (જે આમ તો પહેલા જેટલો હતો તેના કરતાં ઘણો ઓછો છે) હચમચાવી નાખવા શું કરવાનું છે? પહલગામના આ હુમલાએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે પાકિસ્તાન ભારત સામે આતંકવાદને સતત ટેકો આપ્યો છે. “નૉન સ્ટેટ એક્ટર”ના બોગસ બહાના હવે ગળે નથી ઊતરતા. હિંસા જો પાકિસ્તાનમાંથી થતી હોય તો તેની જવાબદારી પણ પાકિસ્તાનની જ છે. 26/11 પછી ભારતે સામો આકરો જવાબ ન આપ્યો જેને લીધે ભારતને વધારે વેઠવાનું આવ્યું. આતંકવાદીઓ પોતાને વધારે બળુકા સમજવા લાગ્યા અને ભોગ બનનારાઓને ન્યાયને બદલે નિરાશા સાંપડી. અત્યારે વૈશ્વિક સ્તરે ભારતને માટે વધારે અનુકૂળ સંજોગો છે કારણકે USAની વર્તમાન સરકાર ઇસ્લામાબાદ પ્રત્યે સદભાવના નથી એટલે ભારત કોઇ રાજદ્વારી ચૂક થશે તો શું થશેની ચિંતા કર્યા વિના પાકિસ્તાનને જવાબ આપી શકશે. પુલવામા અને બાલાકોટ પછી ભારતે જે પ્રતિસાદ આપ્યો એની પરથી સાબિત થયું છે કે રાષ્ટ્રીય મનોબળ અને ચૂંટણીમાં પણ મજબુતાઈ માટે સામો જવાબ આપવો અનિવાર્ય છે. ભારત આવા આતંકી હુમલાને હળવાશથી નહીં જ લે તે પાકિસ્તાનને જેટલી જલદી ખબર પડે એટલું સારું. ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિતના આકરા નિર્ણયો તો લઇ જ લીધા છે. જવાબમાં પાકિસ્તાને પણ દ્વિપક્ષી વેપાર સ્થગિત કરવાની તથા ભારતીય એરલાઇન્સ માટે એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી. ભારતના રાજદ્વારી પગલાં આતંકવાદ માટે અવરોધક સાબિત નથી થતા કારણકે આતંકવાદીઓ રાજકારણીઓ નથી તેમને વ્યાપાર કે સંધિ સ્થગિત થાય તેનાથી લગીરેક ફરક નથી પડતો. મજબૂત આંતરિક સુરક્ષા, સામુદાયિક સ્તરની બુદ્ધિમત્તા સાથે માનવીય અને રાજકીય સ્તરે વ્યૂહાત્મક બંન્ને પ્રકારના માળખાની આ મુદ્દે જરૂરિયાત છે. ભારત સરકાર માટે પણ આ એક સાંધોને તેર તૂટે જેવી હાલત થઇ છે. શું આપણે પાકિસ્તાનને સણસણતો જવાબ આપવામાં ક્યાંક કાચા પડીએ છીએ? હજી આકરા થવાની જરૂર છે? કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો જ નથી. વર્ષોથી સૈન્યની હાજરી, રાજદ્વારી પ્રયાસો અને ગુપ્તચર માહિતીને મામલે અપગ્રેડ હોવા છતાં પણ આ ચક્ર ચાલતું જ રહે છે. આતંકવાદીઓએ જે કહ્યું તે ગણતરીની ક્ષણોમાં કર્યું અને એ લોકો ગાયબ પણ થઇ ગયા. આ રોકવા માટે ખરેખર ભારત સરકાર શું કરી રહી છે? છીંડું ક્યાં છે જેને લીધે આ દુર્ઘટના ઘટી? પાકિસ્તાનનો વાંક છે તે આપણને ખબર છે. આપણે કાશ્મીરમાં સરકારી, વહીવટી સ્તરે જે પણ કરીએ તેમાં પાકિસ્તાને તો પોતે જે કરે છે તે કરતા અટકશે એવું તો ક્યારેય કહ્યું જ નથી. 2019માં 370ની કલમ હટાવ્યા પછી પ્રગતિ થઇ ખરી, કાશ્મીરમાં નક્કર રીતે આર્થિક દિશાઓ ખૂલી તે પણ દેખાયું. એવી પણ ચર્ચા થઇ કે કાશ્મીર હવે પહેલાં જેટલું પાકિસ્તાન તરફી નથી રહ્યું પણ છતાં ય પહલગામ હુમલા પછી એવો વિચાર આવે જ કે સ્થાનિક સહકાર વિના આ હદનો હુમલો કેવી રીતે થયો હશે? ત્યાં હજી પણ અલગાવવાદીઓ પોતાના ષડયંત્રો કરી જ રહ્યા છે. કટ્ટરવાદ અને સાંપ્રદાયિક વિભાજનની સમસ્યાઓને આપણે સરખી રીતે સંબોધી શક્યા છીએ? હવે એવી પરિસ્થિતિ છે કે માત્ર સર્જિકલ સ્ટ્રાઇકથી નહીં ચાલે હવે એક કાયમી અને આકરો જવાબ આપવાની જરૂર છે જેથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળે. એક સત્ય એ પણ છે કે સુરક્ષામાં છીડું ન રહે તેની તકેદારી આપણી સરકારે રાખવી પડશે. સુરક્ષા એજન્સીઓને પોતાની કામગીરી પરનો આત્મવિશ્વાસ ખોટો સાબિત થયો છે. પાકિસ્તાન પોતાનું કૃત્ય નહીં કબૂલે નહીંતર ફરી એકવાર ગ્રે લિસ્ટમાં નખાઈ જશે તેનો ડર પણ તેને સતાવે. આ બાજુ ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટને નામે થતા હુમલાઓ પાછળનો એજંડા એ છે કે બહારના લોકો- પ્રવાસીઓ- આવીને જમ્મુ કાશ્મીરમાં વસી રહ્યા છે અને એ અટકાવવા માટે આવું જધન્ય કૃત્ય જ કરવું પડશે – આ એક ડેમોગ્રાફિક પરિવર્તન સામેનો પ્રચાર છે.
2019માં 370ની કલમ હટાવ્યા પછી ભારતે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારે ખર્ચો કર્યો છે. સુરક્ષા સંબંધિત ખર્ચો વર્ષે 9000 કરોડને પાર પહોંચ્યો છે. માત્ર 2021ના અંત સુધીમાં ગૃહ મંત્રાલયે ‘સિક્યુરિટી રિલેટેડ એક્સપેન્ડિચર (પોલીસ)’ યોજના હેઠળ સુરક્ષા જાળવણી માટે રૂ. 9,120 કરોડ ફાળવ્યા હતા. 2024-25ના કેન્દ્રિય બજેટમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર પોલીસ માટે રૂ. 9,789 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે CRPF બટાલિયન અને ભારતીય સેના દ્વારા ચળવળ વિરોધી કામગીરી જાળવવાનો ખર્ચ દર વર્ષે લાખો કરોડ સુધી પહોંચે છે, જે રાષ્ટ્રીય સંરક્ષણ ખર્ચ હેઠળ સામેલ થાય છે. સર્વેલન્સ ટેકનોલોજી, બોર્ડર ફેન્સિંગ, સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા કર્મચારીઓ માટે વેલફેર ચૂકવણીમાં પણ વધારાના રોકાણ થયા છે. આટલા તોતિંગ નાણાકીય પ્રયાસો છતાં, ઘાતક આતંકવાદી હુમલાઓ ચાલુ રહે છે, જે માત્ર સૈન્ય આધારિત દૃષ્ટિની મર્યાદાઓ બતાવે છે. જો બધી વ્યવસ્થાઓ નક્કર હોત તો પુલવામામાં આટલું બધું RDX કેવી રીતે પહોંચ્યું હતું? ધી રેઝિસ્ટન્સ ફ્રંટ લશ્કર-એ-તોયબાનો જ હિસ્સો છે અને કાશ્મીર પાકિસ્તાનની રાજનીતિના કેન્દ્રમાં છે એ સત્યમાં કોઈ મીનમેખ નથી. મોટા પાયે અશાંતિને ઘટાડવા અને પ્રવાસન જેવી આર્થિક પ્રવૃત્તિઓ વધારવા માટે સુરક્ષા ઉપાયો અસરકારક રહ્યા છે, પરંતુ પહલગામ જેવા હુમલાઓ બતાવે છે કે ફક્ત પૈસા ખર્ચવાથી આ ખામીઓ નહીં ભરાઈ શકે. સ્થાનિક અસંતોષ અને હિંદુ-મુસ્લિમ વિભાજન જેવા મુદ્દાઓના સામાજિક અને વિચારધારાત્મક ઉકેલ વિના, હિંસાનું આ ઝેરીલું ચક્ર ચાલુ રહેવાની શક્યતા છે. કાશ્મીરની સુરક્ષા સરહદી સુરક્ષા જેટલી જ જરૂરી છે એ માનસિક ખાતરી કે આવું કશું ત્યાં હવે નહીં થાય પણ એ તબક્કે પહોંચવા માટેની કાર્યવાહી સરકારે વ્યૂહાત્મક અને સંવેદનાત્મક શૈલીએ શોધવી પડશે. હિંદુ મુસ્લિમ પ્રશ્ન ભારતીય ઉપઘંડોનો એક ક્યારેય ન ભરાયેલો ઘા છે. કાશ્મીરમાં થતા આતંકવાદને વિભાજન પછી પ્રસરેલા સાંપ્રદાયિક તણાવથી જૂદો નાણવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. 1990ના દસકામાં કાશ્મીરી પંડિતોની હિજરત, પીડિતો પર ખેલાયેલી રાજનીતિ અને કટોકટીના સમયે સ્થાનિક નેતૃત્વનું મૌન બધું જ આતંકીઓના નેરેટિવને બળતણ પુરું પાડનારું સાબિત થાય છે. પહલગામના હુમલા પર પણ કાશ્મીરી નેતાઓએ હજી સુધી બહુ આકરું નિવેદન નથી આપ્યું. કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરનારાઓનો આક્રોશ ક્યાં ગયો? આ માત્ર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાઓ પર કેન્દ્રિત ઘટના બની રહે એ પણ ખોટું છે. સ્થાનિક રાજકીય વર્ગનો પૂરતો અવાજ ન આવે તો તે નિરાશાજનક અને નુકસાનકારક પણ છે. આવો ભેદ રહેશે તો સલામતી કે સામાન્ય જનજીવનની ભાવનાનો રસ્તો પુરેપુરી રીતે ખૂલશે ખરો? વૈશ્વિક સ્તરે ઇસ્લમિક આતંકવાદ સામેના ડર અને ગુસ્સામાં વધારો થઇ રહ્યો છે. ધાર્મિક સચ્ચાઈની આડમાં રાજકીય હિંસા ઢંકાઈ જાય છે અને પછી તે એવી સ્થિતિમાં ખૂલીને બહાર આવે છે જ્યાં ધાર્મિક ઓળખને હથિયાર બનાવાય છે અને કમનસિબે કાશ્મીર આવી સ્થિતિ અને સ્થળ માટે બંધબેસે છે. તમામ કાશ્મીરી મુસલમાનો આતંકવાદને સમર્થન નથી જ આપતા. છતાં પણ દેશદ્રોહી તરીકે ઓળખાવાનો ડર, ભૂતકાળની હિંસાનો આઘાત અને વણઉકેલાયેલી ફરિયાદો આતંકવાદને પોષનારી સાબિત થાય છે. ગૃહમંત્રાલયે ઇમેજ બિલ્ડિંગ પર નહીં સુરક્ષા પર ધ્યાન આપવું પડશે. આતંકીઓ પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે, આપણો ઇતિહાસ પુરાવો છે કે આપણે આ અભિગમ સામે એક થઇને લડ્યાં છીએ. એ એકતા અત્યારની તાતી જરૂરિયાત છે તે રાજકારણીઓએ સમજવું જ રહ્યું. શું પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં મૂકી, આર્થિક ફંડિંગ રોકી દઇને રાજદ્વારી રીતે તેને એકલા પાડી દેવાનો વખત નથી પાકી ગયો?

Most Popular

To Top