Top News

More Posts

   The Latest

Most Popular

દુબઈમાં એર શો દરમિયાન થયેલા વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો મૃતદેહ આજે રવિવારે ખાસ વાયુસેના વિમાનથી પોતાના વતન લાવવામાં આવ્યો. તેમના વતન ગામમાં લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે. તેમના પરિવાર, સગા અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે.

દુબઈમાં ગત શુક્રવારે એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન ક્રેશ થયું હતું. જેમાં પાઇલટ વિંગ કમાન્ડર નામાંશ સ્યાલ શહીદ થયા હતા. તેમના આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આજે તા. 23 નવેમ્બર રવિવારે સવારે તેમનો મૃતદેહ કોઈમ્બતુરથી ખાસ વાયુસેનાના વિમાનમાં લાવવામાં આવ્યો અને ત્યારબાદ હિમાચલના કાંગડા જિલ્લાના ગગ્ગલ એરપોર્ટ પર પહોંચાડવામાં આવશે.

નામાંશ સ્યાલની સાથે તેમના માતાપિતા, પત્ની અને 7 વર્ષની નાની પુત્રી પણ છે. તેમની પત્ની અફશાન જે પોતે પણ વાયુસેનાની પાઇલટ છે. હાલમાં કોલકાતામાં તાલીમ લઈ રહી હતી. પતિના અવસાનના સમાચાર મળતાં જ તેઓ પરિવાર સાથે કોઈમ્બતુર પહોંચ્યા.

મૃતદેહ ગગ્ગલ એરપોર્ટથી તેમના વતન પટિયાલાકડા ગામ લઈ જવામાં આવશે. જ્યાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થશે. નામાંશને કોઈ સગા ભાઈ નથી તેથી અંતિમ અગ્નિદાહ તેમના પિતરાઈ ભાઈ દ્વારા કરવામાં આવશે.

અંતિમવિધિના આયોજનને લઈને એસડીએમ નાગરોટા બાગવાન મુનિષ શર્માએ પટિયાલાકડામાં જઈને વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે જિલ્લાની પોલીસ, વહીવટીતંત્ર અને સૈનિક ટીમને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપી છે. જેથી અંતિમ સંસ્કાર ગૌરવ અને સન્માન સાથે થઈ શકે.

To Top