Top News

More Posts

   The Latest

Most Popular

સતત ચોરીઓથી ડભોઇમાં દહેશત, પોલીસ માટે તસ્કરો મોટો પડકાર
ડભોઇ: ડભોઇ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી મધ્યરાત્રિએ તસ્કરો બિન્દાસ્ત રીતે ફરીને ઘરફોડ, વાહન ચોરીને અંજામ આપી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે 17 ડિસેમ્બરની રાત્રે કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ ચોરી માટે ફરી રહેલો એક તસ્કર મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ ઘટના સામે આવતાં જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, 17 ડિસેમ્બરની મધ્યરાત્રિએ લગભગ 3:21 વાગ્યે કાળા કપડાં અને ઉપર સ્લેટીયા રંગનું જેકેટ પહેરેલો તસ્કર હાથમાં ટોર્ચ લઈને ફળિયામાં ફરતો જોવા મળ્યો હતો. તસ્કર ઘેરઘેર ટોર્ચ મારી દરવાજાં પર તાળા છે કે નહીં તેની તપાસ કરતો હતો અને ચોરી માટે યોગ્ય મોકો શોધી રહ્યો હતો. રહીશોને આ હલચલની જાણ થતાં ફળિયાના લોકો જાગી ગયા હતા. બાદમાં સીસીટીવી ફૂટેજ તપાસતા તસ્કરની બિન્દાસ્ત હરકતો સ્પષ્ટ દેખાઈ આવી હતી.
શહેરમાં ચોરીઓની શ્રેણી ચિંતાજનક બની ગઈ છે. એક જ રાત્રિમાં સાત જેટલી જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેના બીજા દિવસે વસાઈ વાલા જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી અંદાજે રૂ. 8 લાખના દાગીનાની ચોરી થઈ હતી. ત્રીજા દિવસે કોહિનૂર સોસાયટી અને સીમળીયા ગામેથી પાંચ મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા હતા, જેમાંથી એક એક્ટીવા ટીંબી ફાટક પાસે રેઢી મૂકેલી હાલતમાં મળી આવી હતી.
સીસીટીવીમાં તસ્કરો કેદ થવા છતાં તેઓ પોલીસ લોકઅપ સુધી પહોંચતા ન હોવાને કારણે નગરજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. સતત વધતી ચોરીઓ પોલીસ માટે પણ મોટો પડકાર બની છે. સ્થાનિક રહીશોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને તસ્કરોને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ

To Top