Top News

More Posts

   The Latest

Most Popular

શ્રી રામમંદિર પર ધ્વજારોહણ સમયે વડા પ્રધાને યથાર્થ રીતે કહ્યું કે આપણે વિદેશી માનસિકતામાંથી મુક્તિ મેળવવાની છે. ભાજપના અગાઉના બે કાર્યકાળ અને આ ત્રીજા કાર્યકાળમાં ઘણાં આવાં પરિવર્તનો આવ્યાં છે. જેમ કે, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બજેટ ૨૮/૨૯ ફેબ્રુઆરીના બદલે ૧ ફેબ્રુઆરીએ, રેલવે બજેટનું સામાન્ય બજેટમાં વિલિનીકરણ કરી આ બાબતે પ્રાદેશિકવાદનો અંત લાવવો, નીટ, કેટ વગેરે પ્રવેશ પરીક્ષામાં માતૃભાષા, પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા, અંગ્રેજો સમયની ૧,૫૦૦થી વધુ વિધિઓ (કાયદાઓ) સમાપ્ત, નૌ સેનાના ધ્વજમાંથી સેન્ટ જ્યૉર્જના ક્રૉસને હટાવી શિવાજી મહારાજની રાજસિક મહોરનો સમાવેશ વગેરે.

હજુ ઘણી વિદેશી માનસિકતામાંથી મુક્તિ બાકી છે. સૌ પ્રથમ તો પ્રશાસકીય શબ્દાવલિ ભારતીય ભાષા આધારિત હોવી જોઈએ અને તેમાં અંગ્રેજી અને ઉર્દૂનો લઘુત્તમ અથવા શૂન્યતમ પ્રયોગ હોવો જોઈએ. બીજું, અંગ્રેજીકરણ બહુ જ વધ્યું છે. નવા કાયદાના નામો અંગ્રેજી જ રખાય છે. કોરોનામાં લૉકડાઉન, આઇસૉલેશન, વેક્સિનેશન વગેરે શબ્દો વપરાયા. આજે ‘સર’ શબ્દ વપરાઈ રહ્યો છે જ્યારે કે તેના માટે ૨૦૦૨માં મતદાર યાદી શુદ્ધિકરણ શબ્દ વપરાયો જ હતો.

Special Intensive Revision આવું શહેરી અને ભણેલાગણેલાને પણ માંડ માંડ સમજાય તેવું ધરખમ અંગ્રેજી ગામડાની વ્યક્તિને, નિરક્ષર વ્યક્તિને કેવી રીતે સમજાશે? ત્રીજું, તે શિક્ષણનું ગુણકરણ. માર્ક આધારિત શિક્ષણ. તેમાંથી નૈતિકતા, દેશભક્તિ, કર્તવ્યબોધ, સંસ્કાર સિંચન, સમયપાલન, વગેરે કૌશલ આધારિત કામોની તો બાદબાકી વર્ષોથી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ માટે એનસીસી અને એનએસએસ સ્વૈચ્છિક કરી દેવાયા છે. રમતો રમાડવી, કસરતો કરાવવી તેવું નહીં, તેમાં શિસ્ત આવે તે માટે કૂચ કરાવવી વગેરે સૈન્ય પાઠ પણ હોવો જોઈએ.
ધામડોદ રોડ, બારડોલી – કેદાર રાજપૂત  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top