Top News

More Posts

   The Latest

Most Popular

સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટી (AAP)નાં મહિલા કોર્પોરેટર (Councilor) ઋતા દુધાગરા દ્વારા ભાજપ (BJP)ના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતા આક્ષેપ કરવામાં આવ્યાં છે. દરમ્યાન કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત ઋતા દુધાગરાના પતિ ચિરાગે મનીષ સીસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ચિરાગને તાત્કાલિક પકડીને બહાર લઈ ગઈ હતી.

ચિરાગે શરીરે કેરોસીન છાંટતા આપમાં ખળભળાટ મચી હયો હતો. જોકે હજી સુધી આ મામલે પોલીસે કોઈ નિવેદન આપ્યા નથી પણ કંપાઉન્ડમાં ઉભા રહેલા કાર્યકર્તાઓએ વાતને વેગ આપતા ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસ અગાઉ કોર્પોરેટર ઋતા દુધાગરાએ પતિ ચિરાગ સામે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના એક નેતા પાસે ચિરાગે 25 લાખ લીધા છે. ઉપરાંત પતિ ચિરાગ તેને પણ ભાજપમાં જોડાવા દબાણ કરી રહ્યો છે. જેને લઈ પારિવારિક ઝગડા થતા બન્ને વચ્ચે છૂટાછેડા થયા છે. જોકે ચિરાગે પત્નીના આક્ષેપને વખોડી કહ્યું હતું કે, મારું ઘર તોડવામાં શહેર પ્રમુખનો મોટો રોલ છે. મારી પત્ની સાથે હજી મારા છૂટાછેડા થયા નથી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે આપના નેતા મનીષ સીસોદિયા સુરત આવ્યા છે. આ ઘટનાને એક હાઈ વોલ્ટેજ ડ્રામા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે પોલીસે તેમજ આપના નેતાઓએ કાંઈ પણ કહેવાનું હાલ ટાળ્યું છે. જણાવી દઈએ કે આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ મારફતે મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે 3 કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપી ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડી ભાંગ્યો હતો. પતિ (Husband)એ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ ઝાલાવાડિયા છે.

અગાઉ ભાજપ દ્વારા 3 કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું હતું કે તેમના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટે દબાણ કરવામાં આવતું હતું, પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેના પતિ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. નાછૂટકે ગત 21મી મેના રોજ ઋતા અને ચિરાગે છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. બીજી તરફ ઋતાના પતિ ચિરાગે જણાવ્યું હતું કે તેઓના હજી સુધી છૂટાછેડા થયા નથી.

To Top