Top News

More Posts

   The Latest

Most Popular

સરકાર તો સરકાર છે, તેમાં શક્તિ હોવી જોઈએ. અશક્તિ નહી. અને સોદેબાજી તો બિલકુલ નહીં. અને જો એ સોદેબાજી પ્રજાની સગવડના ભોગે હોય તો એ બહુ મોટું પાપ છે. હું વાત કરી રહ્યો છું ઝાંપાબજાર સ્થિત દેવડીના રસ્તા વિશે, જે નવસારી બજારના કબ્રસ્તાનના રસ્તાના બદલે વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકાર આ કામ સોદેબાજી કર્યા વગર પણ નવસારી બજારના કબ્રસ્તાનની જગ્યાનું અધિગ્રહણ કરીને કરી શકી હોત. આમાં આખા રાણાવાડના રહીશોને, જો તેઓ ઝાંપાબજાર આવવા માંગતા હોય તકલીફ થાય છે. જે રહીશો સલાબતપુરા બાજુ રહેતા હોય છે, તેમના માટે તો આ નિર્ણય અત્યંત તકલીફદાયક સાબિત થયો છે.

કારણ કે તેઓ જ્યારે ભાગળ – ચોકે તરફથી આવતા હોય છે ત્યારે ઝાંપાબજાર સળીયામાર્કેટ પાસેની ટ્રાફિકથી બચવા માટે તેઓ બિલાડીગલી કે દેવડીની ગલીમાંથી પસાર થઈ મુરગવાન કે સલાબતપુરા બાજુ સરળતાતી નીકળી શક્તા હતા. હવે તેમને ફરજિયાત ઝાંપાબજાર સળિયામાર્કેટની ટ્રાફિકનો સામનો કરવો પડશે. કેવી લાચારી! અને આનાથી ઝાંપાબજાર સળિયામાર્કેટનો ટ્રાફિક પણ વધી જવાનો, વારંવાર જામ થવાનો ભય વધી ગયો છે.  લાગવગના જોરે કોઈ સમૂહ એક આખે આખો રસ્તો ગળી જાય અને સરકાર પોતે સોદેબાજી કરી આખું કારસ્તાન પાર પાડે એ શોભાસ્પદ નથી. સ્થાનિક સ્વરાજ્યથી વિનંતી છે કે તે આ ઠરાવને પલટાવી લોકોને રાહત પહોંચાડે. જો દેવડી પર સામાન્યજનોના પગલા પડતા રહેશે તો તે આબાદ રહેશે, નહીંતર તે પણ ભેંકાર ભાસશે.
સુરત     – એક નાગરિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top