Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ નગરમાં નાતાલના પાવન તહેવાર પૂર્વે રવિવારે CNI ચર્ચ દ્વારા ભવ્ય “ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧:૦૦ કલાકે CNI ચર્ચથી શરૂ થયેલી આ યાત્રામાં ખ્રિસ્તી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ શાંતિ યાત્રા CNI ચર્ચથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય બસ સ્ટેન્ડ થઈ ગામડી ચોકડી સુધી પહોંચી હતી અને ત્યારબાદ પરત ફરી ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ લાલ ટોપીઓ પહેરી, ડીજેના તાલે ગવાતા નાતાલના ભક્તિ ગીતો સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને આનંદભેર વધાવ્યું હતું.

યાત્રાના સમાપન પ્રસંગે ચર્ચના ફાધર રેવ. જોનાથાન તેમજ એરીપાડીન રેવ. રમેશભાઈ મછારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતને પાપમાંથી મુક્તિ આપવા પૃથ્વી પર અવતાર લીધો હતો. નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વને પ્રેમ, શાંતિ, આનંદ, એકતા અને પરસ્પર માફીનો દિવ્ય સંદેશ આપે છે.

આ શાંતિ યાત્રામાં ઝાલોદ તેમજ આસપાસના વિસ્તારોના વિવિધ ચર્ચના ફાધરો, ખ્રિસ્તી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. ઉપરાંત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદમાં યોજાયેલી આ ભવ્ય શાંતિ યાત્રા સાથે નાતાલના તહેવારનો વિધિવત પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી ૨૫મી ડિસેમ્બર સુધી ચર્ચમાં વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ

To Top