Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વવિખ્યાત ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ માટે ભારતમાં આવ્યા છે. ગઈ કાલે ટૂરના પ્રથમ દિવસે કોલકાતા અને હૈદરાબાદમાં ચાહકોને મળ્યા બાદ હવે મેસ્સી ટૂરના બીજા દિવસે એટેલે કે આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અનેક વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે. મેસ્સીનો આ મુંબઈ ટૂર રમત, મનોરંજન અને ચેરિટી ઇવેન્ટ્સથી ભરપૂર રહેશે.

ગઈ કાલે શનિવારે કોલકાતામાં આવ્યા બાદ મેસ્સીને જોવા માટે હજારો ચાહકો એરપોર્ટ અને સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. 14 વર્ષ પછી ભારત આવેલા મેસ્સીના સ્વાગતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેઓ હૈદરાબાદ પહોંચ્યા. જ્યાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

મુંબઈમાં બીજા દિવસનો વ્યસ્ત કાર્યક્રમ
આજે 14 ડિસેમ્બરે ટૂરના બીજા દિવસે લિયોનેલ મેસ્સી મુંબઈ પહોંચશે. અહીં તેઓ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ છેત્રી સહિત અનેક પ્રખ્યાત ખેલાડીઓ અને સેલિબ્રિટીઓને મળશે.વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સીની હાજરીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.

મેસ્સી માટે મુંબઈમાં આખો દિવસ એક્શનથી ભરેલો રહેશે. જેમાં રમતગમત સાથે ચેરિટી અને મનોરંજનના કાર્યક્રમો પણ સામેલ છે.

લિયોનેલ મેસ્સીનો મુંબઈ શેડ્યૂલ

  • બપોરે 3:30 વાગ્યે: ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે પેડલ કપમાં ભાગ લેશે
  • સાંજે 4:00 વાગ્યે: સેલિબ્રિટી ફૂટબોલ મેચમાં હાજરી
  • સાંજે 5:00 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમ ખાતે વિશેષ કાર્યક્રમ, કોન્સર્ટ અને ચેરિટી ફેશન શો

કોલકાતામાં ઉત્સાહ અને વિવાદ
પ્રવાસના પ્રથમ દિવસે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસ્સીની એક ઝલક માટે ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે મેસ્સી વહેલા સ્થળ છોડતા કેટલાક ચાહકો ગુસ્સે થયા હતા અને સ્ટેડિયમમાં પાણીની બોટલો ફેંકી તેમજ ખુરશીઓ તોડી નાંખી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.

આ બધાની વચ્ચે લિયોનેલ મેસ્સીનો GOAT ઇન્ડિયા ટૂર 2025 દેશભરમાં ફૂટબોલ પ્રેમીઓ માટે ઐતિહાસિક ક્ષણ બની રહ્યો છે અને હવે મુંબઈમાં તેમની હાજરીથી ઉત્સાહ વધુ વધી ગયો છે

To Top