Top News

More Posts

   The Latest

Most Popular

ગોરવા દશામાં મંદિર પાસે હાઉસિંગ બોર્ડની જમીન પર VMCનું મેગા ડિમોલિશન: 200થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાતા શ્રમજીવીઓના હાલ બેહાલ, પોલીસે પરિસ્થિતિ સંભાળી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 200થી વધુ ઝૂંપડાઓ પર આજે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જગ્યા પર નવા મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવા માટે જગ્યા ખાલી કરાવવા પાલિકાની મદદ માંગવામાં આવી હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં દશામાં મંદિર પાસે આવેલા આ ઝૂંપડાઓમાં છેલ્લા કેટલાય સમયથી શ્રમજીવીઓ રહેતા હતા. હાઉસિંગ બોર્ડની વિનંતી બાદ પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ આજે વહેલી સવારથી જ સ્થાનિક પોલીસ કાફલો, એસઆરપીની ટીમ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 200 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવાની કામગીરી તત્કાળ શરૂ કરવામાં આવી હતી.

ઝૂંપડા તોડવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ અને શ્રમજીવીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આક્રોશિત શ્રમજીવીઓએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની જોડે અગાઉ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને 5,000 રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું, જેના બદલામાં મકાન આપવાની ખાતરી અપાઈ હતી. અમે રોજ લઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે 5000 રૂપિયા કેવી રીતે ભેગા કર્યા અમને ખબર છે ત્યારે 5000 રૂપિયા લીધા બાદ પણ અમારા પરિવારને મકાન ફાળવવામાં આવ્યા નથી અને ત્યાર પહેલાં અમારા ઝૂપડા તોડવા માટે પાલિકા આવી ગઈ છે તેમ કહીને શ્રમિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઘર્ષણ વધારે વકરતા સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે થોડું આકરું વલણ અપનાવ્યું હતું અને પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે હળવા બળ પ્રયોગની તૈયારી પણ કરવી પડી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડને તેની જમીનનો કબજો સોંપવા માટે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઝૂંપડપટ્ટીમાં રહેતા એક શ્રમજીવીએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે…
​”થોડા દિવસ પહેલાં જ પાલિકાએ અમારી જોડે ફોર્મ ભરાવ્યા અને 5,000 રૂપિયા લીધા હતા. તેઓએ કહ્યું હતું કે 5,000 ભરી તમને મકાન આપવામાં આવશે. પણ આજ દિન સુધી અમને મકાન ફાળવવામાં આવ્યા નથી. અમારી પાસે નાના બાળકો છે, આ કડકડતી ઠંડીમાં અમે ક્યાં જઈએ? અમને થોડો સમય આપવામાં આવ્યો હોત તો અમે જાતે આ ઝૂંપડા ખાલી કરીને ફાળવાયેલા મકાનમાં જતા રહેત. મકાન ફાળવ્યા વગર અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે તે બિલકુલ યોગ્ય નથી.”

પાલિકાનો દાવો: નોટિસ આપી હોવા છતાં ઝૂંપડા ખાલી ન કરાયા…
​પાલિકાના દબાણ શાખાના અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,
​”આ ઝૂંપડપટ્ટી ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ આ ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને નોટિસ આપવામાં આવી હતી. તેઓએ ઝૂંપડા ખાલી ન કરતા આખરે આજે જગ્યા ખાલી કરાવવાની ફરજ પડી છે. રહેવાસીઓને પોતાનો સામાન કાઢી લેવા માટે સમય અપાયો હતો, ત્યારબાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.”

To Top