Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ઘરકંકાસથી ત્રાસેલા એક પતિએ પત્ની અને સાસુને સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. પત્ની જ્યાં કામ કરતી હતી તે બ્યુટીપાર્લરમાં જઈ પતિએ પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાંપી દીધી હતી. બંને મહિલાઓ સાથે બ્યુટીપાર્લરમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ સમયસર મદદ કરતા બંને મહિલાઓનો જીવ બચી ગયો છે. જોકે, હાલ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આરોપી પતિને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસે ગઈકાલે તા. 23 સપ્ટેમ્બરને મંગળવારની રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. કુબેરનગરમાં સ્થિત એક બ્યૂટીપાર્લરમાંથી ધુમાડો નીકળતા અને બૂમાબૂમ થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પાર્લરમાં આગ લાગી હોવાનું ધ્યાન પર આવતા લોકોએ પાણી નાંખી આગ ઓલવવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન પાર્લરમાં બે મહિલાઓ સળગી રહી હોવાની જાણ થતા લોકોએ તે બંનેને બચાવવા દોટ મુકી હતી.


આ મામલે બાદમાં એવી હકીકત બહાર આવી કે પાર્લરમાં કામ કરતી મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. એ દરમિયાન પતિએ ગુસ્સામાં આવી પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાંખી આગ ચાંપીને ભાગી ગયો હતો.

બનાવ સમયે પાર્લરમાં પત્ની સાથે તેની માતા પણ હાજર હતી. ઝઘડો વધતાં અશોકે બંનેને નિશાન બનાવ્યા હતા. આગ લાગતાં જ મહિલાઓ બૂમાબૂમ કરી મદદ માંગવા દોડી હતી. ત્યાં આસપાસના વેપારીઓ અને લોકો દોડી આવ્યા અને પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. લોકોએ આગ ઓલવીને બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હાલ બંનેની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

બીજી તરફ આરોપી પતિ અશોક બનાવ બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં સરદારનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને થોડા સમયમાં જ આરોપીને પકડી પાડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર પત્ની અને પતિ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલતું હતું. સતત ચાલતા ઝઘડાઓ જ આ ભયાનક બનાવનું કારણ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું કે “પતિએ ઘરકંકાસને કારણે પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે બંનેને જીવ ગુમાવવો ન પડ્યો. હાલ બંને ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર હેઠળ છે. આરોપી પતિ અશોક રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સામાન્ય ઘરકંકાસથી શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જીવતી સળગાવવાનો પ્રયાસ થયો. લોકોમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળ્યો છે.

To Top