Top News

More Posts

   The Latest

Most Popular

વર્ષો પછી મુંબઈ હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે યુપીએ સરકારે અમેરિકાના દબાણને કારણે મુંબઈ હુમલા પછી પાકિસ્તાન સામે બદલો લેવાની કાર્યવાહી કરી ન હતી. તેમણે સમજાવ્યું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી યુપીએ સરકારે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ખાસ કરીને અમેરિકા અને વિદેશ મંત્રાલયની સલાહ પર પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી ન હતી.

પી ચિદમ્બરમે કહ્યું કે ‘બદલો’ લેવાનો વિચાર તેમના મગજમાં આવ્યો હતો પરંતુ સરકારે લશ્કરી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.

એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં પી. ચિદમ્બરમે કહ્યું, આખી દુનિયા દિલ્હી પર ઉતરી આવી હતી. અમને યુદ્ધ શરૂ ન કરવાનું કહી રહી હતી. હુમલાઓ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિક્રિયાને યાદ કરતાં તેમણે કહ્યું, મુંબઈ હુમલાના બે-ત્રણ દિવસ પછી તત્કાલીન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીઝા રાઈસ મને અને વડા પ્રધાનને મળવા આવ્યા હતા.

તેમણે કહ્યું, ‘પ્લીઝ બદલો ન લો.’ રાઈસે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતે બદલો ન લેવો જોઈએ. આના પર મેં જવાબ આપ્યો કે તે સરકારનો નિર્ણય હશે. કોઈપણ સત્તાવાર ગુપ્તતા તોડ્યા વિના હું સ્વીકારું છું કે કોઈ બદલો લેવાની કાર્યવાહીનો વિચાર મારા મગજમાં આવ્યો હતો.

પી. ચિદમ્બરમે ખુલાસો કર્યો કે હુમલા પછી સરકારમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા થઈ હતી. તેમણે વડા પ્રધાન અને અન્ય મુખ્ય વ્યક્તિઓ સાથે સંભવિત બદલો લેવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન હુમલા દરમિયાન પણ આ અંગે ચર્ચા કરી રહ્યા હતા. જોકે, વિદેશ મંત્રાલય અને ભારતીય વિદેશ સેવા (IFS) ના પ્રભાવ હેઠળ કોઈ લશ્કરી કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુંબઈ હુમલો શું છે?
ગઈ તા. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલા થયા હતા. પાકિસ્તાનના દસ આતંકવાદીઓએ મુંબઈ શહેરને લગભગ બંધક બનાવી રાખ્યું હતું અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ, તાજમહેલ પેલેસ અને ટાવર હોટેલ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ અને નરીમન હાઉસ જેવા સ્થળો પર હુમલો કર્યો હતો.

તા. 29 નવેમ્બર સુધી ચાલેલા આ હુમલાઓમાં વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ નવ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને 2012માં ફાંસી આપવામાં આવી હતી.

હુમલાઓ પછી તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલે સુરક્ષામાં ખામીની નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું. પી. ચિદમ્બરમને નાણા મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમે જણાવ્યું હતું કે તેઓ આ ફેરફારથી નાખુશ હતા.

To Top