Top News

More Posts

   The Latest

Most Popular

એશિયા કપ ફાઇનલમાં ભારે નાટકીયતા જોવા મળી. 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મેચ બાદ મેદાન પર જે કંઈ થયું એનાથી ધ્યાન હટીને બીજી ઘટનાઓ પર કેન્દ્રિત થઈ ગયું. ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેની ટીમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચેરમેન મોહસીન નકવી, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા અને દેશના ગૃહમંત્રી પણ છે, પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. તેથી, નકવીએ સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમને ખિતાબ જીતવાની ખુશી મનાવવાથી રોકી દીધી.

તેના જવાબમાં સૂર્યકુમાર અને તેમના સાથી ખેલાડીઓએ કાલ્પનિક ટ્રોફી ઉપાડતાં પોઝ આપીને તસવીરો ખેંચાવીને ઉજવણી કરી. ગ્રુપ સ્ટેજ શરૂ થયો ત્યારથી ભારતમાં પાકિસ્તાન સામેની કોઈપણ રમતનો બહિષ્કાર કરવાની માગણીઓ થઈ રહી હતી. આ વર્ષની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ભારતે ત્યાર બાદ ઓપરેશન સિંદૂર ચલાવીને બદલો લીધો હતો, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી.

ઘણાં લોકોએ પાકિસ્તાન સાથે મેચ રમાડવા બદલ બીસીસીઆઈ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, સુપર 4 અને ફાઇનલમાં સંપૂર્ણપણે અલગ મુડ જોવા મળ્યો હતો. કારણ કે, દેશભરનાં લોકોએ ભારતનું સમર્થન કર્યું હતું. આ વર્ષની ટુર્નામેન્ટમાં યાદવની ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને સ્પર્ધા જીતી લીધી હતી. બધાને ખબર હતી કે, નકવીના વર્તનને કારણે ભારત તેમની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં.

પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પછી ગ્રુપ સ્ટેજ મેચથી જ ભારતે પાકિસ્તાનના ખેલાડીઓથી અંતર જાળવી રાખ્યું હતું. સૂર્યકુમારની ટીમે ગ્રુપ સ્ટેજ અને સુપર 4 બંને મુકાબલામાં વિરોધીઓ સાથે હાથ મિલાવ્યા નહીં. આના કારણે નકવીએ ભારત અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટના વર્તન અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને ફરિયાદ કરી હતી. નકવીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર કેટલાક વાંધાજનક વિડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાનો ઉલ્લેખ કરીને ભારતની મજાક ઉડાવી હતી.

એટલા માટે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા અને લેવા માંગતી ન હતી. સૂર્યકુમાર યાદવ અમીરાત ક્રિકેટ બોર્ડના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝરૂની પાસેથી ટ્રોફી લેવા તૈયાર હતા, પરંતુ નકવીએ હટવાનો ઇનકાર કર્યો હતો. તેઓ ટ્રોફી આપવાના પોતાના વલણ પર અડગ રહ્યા. કુલ મળીને ભારત અને પાકિસ્તાન 2025 એશિયા કપમાં ત્રણ વખત આમનેસામને આવ્યા, જેમાં ભારત ત્રણેય મેચ જીત્યું. ગ્રુપ સ્ટેજ મેચ બાદ સૂર્યકુમારે જીતને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી અને કહ્યું કે, તેમની ટીમ પહેલગામ આતંકવાદી હુમલાનાં પીડિતો સાથે એકતામાં ઊભી છે.

એ આશ્ચર્યજનક નથી કે, ભારતની પાકિસ્તાન સામે ઐતિહાસિક એશિયા કપ 2025ની જીત દેશમાં રાજકીય વિવાદથી દબાઈ ગઈ છે. કેટલાક વિપક્ષી નેતાઓએ ભારતીય ટીમ પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે સૂર્યકુમારની મજાક ઉડાવી હતી અને ટુર્નામેન્ટ પહેલાં અને પછી તેમના વર્તનમાં દંભનો આરોપ લગાવ્યો હતો. રાઉતે એક વિડિયો શેર કર્યો હતો, જેમાં યાદવ એશિયા કપ પહેલાં નકવી સાથે હાથ મિલાવતા અને ફોટો ખેંચાવતાં દેખાય છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ભારત પર દોષારોપણ કર્યું અને કહ્યું કે વિરોધી ટીમના હાથ ન મિલાવવાના વલણથી આ બધું નાટક શરૂ થયું. સૂર્યકુમારે ઇવેન્ટમાંથી તેમની સંપૂર્ણ મેચ-ફી ભારતીય સશસ્ત્ર દળોને દાનમાં આપી દીધી. આગાએ જાહેરાત કરી કે, બધા પાકિસ્તાની ખેલાડીઓની મેચ-ફી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મૃત્યુ પામેલાં નાગરિકોને આપવામાં આવશે..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top