Top News

More Posts

   The Latest

Most Popular

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરમાં તા. 5 ઓક્ટોબરની વહેલી સવારે અજાણ્યા શખસોએ તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી પાસેના જંગલમાં ફેકી દીધી હતી. આ ઘટનાએ લાખો ભક્તોમાં આક્રોશ ફેલાવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર 5500 પગથિયા ઉપર આવેલ ગોરખનાથ મંદિરમાં મોડી વહેલી સવારે તોડફોડની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.5 ઓક્ટોબર રવિવારની વહેલી સવારે લગભગ 3 થી 4 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખસોએ મંદિરમાં પ્રવેશ કરીને ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી.

મંદિરના સંત શેરનાથ બાપુએ જણાવ્યું કે તોડફોડ કરતા પહેલાં અસામાજિક તત્ત્વોએ પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જેથી અંદર સૂતેલા પૂજારીઓ બહાર ન આવી શકે. બાદમાં જ્યારે ઘોંઘાટ સાંભળાયો. ત્યારે પૂજારીઓએ બારીમાંથી જોયું તો 4-5 શખસો ભાગતા નજરે પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભારે રોષ ફેલાયો હતો. તોડફોડ બાદ ખંડિત મૂર્તિ જંગલ વિસ્તારમાં મળી આવી છે. જેને પાછી મંદિરમાં લાવવામાં આવી છે. આ ઘટનાથી ભક્તોની ધાર્મિક લાગણીને ગંભીર ઠેસ પહોંચી છે અને લોકો સોશિયલ મીડિયા તથા સ્થાનિક સ્તરે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ તત્ત્વોની ઓળખ માટે મંદિરમાં તથા આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજ તપાસી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ કૃત્ય કરનારને છોડવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે.

શેરનાથ બાપુ સહિત અનેક ધાર્મિક આગેવાનો અને ભક્તોએ અસામાજિક તત્ત્વોને ઝડપીને કડક સજા આપવા માંગ કરી છે. તેમણે કહ્યું કે “આ માત્ર એક મૂર્તિ તોડવાની ઘટના નથી પણ લોકોની ભક્તિ અને વિશ્વાસ પર આઘાત છે.”

હાલ પોલીસ તંત્ર એલર્ટ છે અને ગિરનાર વિસ્તારની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ જલદી જ કાયદાના ચંગુલમાં હશે.

To Top