Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આજે 15 ડિસેમ્બર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-9 (NH-9) પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓછી દૃશ્યતા હોવાના કારણે એક પછી એક છથી વધુ વાહનો અથડાયા હતા. જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

મળતી માહિતી મુજબ આ અકસ્માત પીલખુવા કોતવાલી વિસ્તારમાં થયો હતો. ધુમ્મસના કારણે આગળનું વાહન સ્પષ્ટ દેખાતું ન હોવાથી એક મિનિબસના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી હતી. તેના કારણે પાછળથી આવી રહેલા વાહનોને પણ તાત્કાલિક બ્રેક મારવી પડી પરંતુ ઓછી દૃશ્યતા અને ઝડપ વધુ હોવાને કારણે ડ્રાઇવરો વાહન પર નિયંત્રણ રાખી શક્યા નહીં. પરિણામે મિનિબસ, કાર, ટ્રક તેમજ ટુ-વ્હીલર સહિત લગભગ 6થી વધુ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા.

ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાક વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં એક મોટરસાઇકલ સવાર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેમનો સારવાર ચાલી રહી છે. હાલ તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અકસ્માતને કારણે NH-9 પર બંને દિશામાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી નુકસાન પામેલા વાહનોને હાઇવે પરથી દૂર કર્યા બાદ ધીમે ધીમે ટ્રાફિક ફરી શરૂ કર્યો.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસના કારણે અનેક માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈ કાલે રવિવારે પણ હરિયાણાના રોહતક અને ચરખી દાદરીમાં પણ ધુમ્મસના કારણે ગંભીર અકસ્માત થયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ડ્રાઇવરોને ધુમ્મસ દરમિયાન ધીમે વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

To Top