પાદરા: પાદરા નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું હતું આચાર સંહિતાનો ભંગ જેવી એકાદ બે ચીલા ચાલુ ફરિયાદ ને બાદ કરતા પોલીસ લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. પાદરા નગર પાલિકા ના 28 ઉમેદવાર તેમજ તાલુકા પંચાયતના 26 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 6 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થઇ ગયા હતા.
મતદાન બાદ પાદરા સ્ટેશન રોડ ઉપર આવેલ પી.પી શ્રોફ હાઈ સ્કૂલ તથા એમ.કે. અમીન કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં EVM ને શીલ કરી મુકવામાં આવ્યા હતા. હવે તા.2 માર્ચ ના રોજ ઉમેદવારોના ભાવિનો ફેસલો જાહેર થશે. પાદરા નગરપાલિકા તેમજ તાલુકામાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર ચૂંટણી મતદાન શરૂઆતના પ્રથમ બે કલાકમાં નગર પાલિકામાં ૮.૫ ટકા મતદાન નોંધાયું તેમજ તાલુકા જિલ્લા માં સરેરાશ 10 ટકા નોંધાયેલ મતદાન ધીમે ધીમે વધ્યું હતું.
બપોરે એક વાગ્યા મતદાનની ટકાવારી વધી જવા પામી હતી. બપોરે 1 વાગે નગર પાલિકાના 37.56 ટકા અને 41 ટકા તાલુકા જીલા પંચાયતનું નોંધવા પામ્યું હતું. અને સાંજે 3 કલાકે નગર પાલિકાનું 53.86 અને 57 ટકા તાલુકા જિલ્લા પંચાયતનું મતદાન નોંધાયું હતુ. સાંજે 4.30 કલાકે નગરપાલિકાનું 68.86 ટકા મતદાન નોંધવા પામ્યું હતું
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2021માં પાદરામાં મતદાન યોજાયું હતું જેમાં ધર્મગુરુઓ, નેતાઓ, વરરાજા તેમજ કન્યા એ મતદાન કર્યું હતું. અને લોકશાહીના મહા પર્વમાં મતદાન કરી પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી.
પાદરામાં એક સમયે વોર્ડ નંબર.1 ના એપીએમસી બિલ્ડિંગમાં આવેલા બુથ નંબર છ માં ઇવીએમ મશીન ખોટકાયું હતું 20 થી 25 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું હતું. જે દરમ્યાન મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી જેને લઇ ઉમેદવારો તેમજ ટેકેદાર મતદાન એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો ઇવીએમ મશીન માં ખામી સર્જાતા પાદરા મામલતદાર મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી ઉપસ્થિત રહ્યું હતું અને ખામીયુક્ત મશીન ને બદલે નવું મશીન મૂકવામાં આવ્યું હતું ખોટકાયેલ મશીનને શીલ કરી સ્ટ્રોંગ રૂમ માં મુકવામાં આવ્યું હતું જ્યારે તે સમય દરમિયાન વીસ-પચ્ચીસ મિનિટ સુધી મતદાન અટક્યું હતું
કોરોના પેશન્ટ માટે વિશેષ વ્યવસ્થા પાદરા ચૂંટણી અધિકારીઓ દ્વારા કોવિડ 19 ના પેશન્ટો માટે સ્પેશ્યલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પીપીઈ કીટ સહિત સ્પેશ્યલ વૅનની વ્યવસ્થા ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયાના મતદાન ના સમય માં છેલ્લા એક કલાક નો વધુ મતદાન સમય કોવિડના પેશન્ટો માટે રાખવામાં આવ્યો હતો.જેમાં પાદરા ના કોઈ કોરોના પોઝિટિવ દર્દી મતદાન કરવા માટે ગયા ન હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યુ હતું.પાદરામાં 10કોરોના પોઝિટિવ કેસ હોવાનું વિમલકુમાર સિંઘે જણાવ્યું હતું જે પૈકી 5કેસ પાદરા શહેરમાં અને 5કેસ પાદરા ના ગ્રામ્ય વિસ્તારમાં હોવાની માહિતી આપી હતી.જેથી કહી શકાય છે કે પાદરામાં કોરોના ફરી વક્રી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.