આજે સવારે વડોદરાને આણંદથી જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો. બ્રિજ તૂટ્યો ત્યારે તેના પરથી પસાર થતા ચારથી પાંચ વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 9ના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. દરમિયાન બ્રિજ છેલ્લાં બે-ત્રણ વર્ષથી એવી ફરિયાદ ઉઠતી હતી કે વાહનો પસાર થાય ત્યારે બ્રિજ ધ્રુજે છે. તેના રિપેરિંગની માંગણી કરાતી હતી પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાયું નહોતં.
- પાદરા નગર પાલિકાએ સરકારના ઠરાવની અવગણના કરી તેના લીધે મોટી દુર્ઘટના સર્જાઈઃ સંજય ઇઝાવા (એક્ટીવીસ્ટ)
હવે સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ સમગ્ર દુર્ઘટના માટે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ પાદરા નગર પાલિકાને જવાબદાર ઠેરવી છે. ઈઝાવા કહે છે કે મોરબી દુર્ઘટના બાદ સરકારે તમામ મહાનગર, નગર પાલિકાઓને એક ઠરાવ મોકલ્યો હતો, જેની પાદરા નગર પાલિકાએ અવગણના કરી દુર્ઘટનાને નોંતરું આપ્યું છે.
સરકારના ઠરાવમાં શું લખ્યું હતું?
મોરબી ઝુલતા પૂલ દુર્ઘટના પછી ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરીને હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ નાના મોટા બ્રિજની જાળવણી હવે પછી નગર પાલિકા અને મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે.
ગઈ તા. ૦૭.૦૩.૨૦૨૩ ના રોજ રાજ્ય સરકાર વતી માનીષ ચંદ્રકાંત શાહ, નાયબ સચિવ, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગંધીનગર દ્વારા સોગંધનામુ રજુ કરવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા તા. ૦૬.૦૩.૨૦૨૩ ના રોજ એક ઠરાવ કરીને હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ નાના મોટા બ્રીજોની જાળવણી હવે પછી નગર પાલિકા અને મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગના વંચાણે લીધેલ (૨) પરના પરિપત્રથી માર્ગ અને મકાન હસ્તકના પુલોની નીતિ બહાર પાડવામાં આવેલ છે. પુખ્ત વિચારણાને અંતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ કાર્યરીતિ ને જ મહદંશે સ્વિકારી આથી સમગ્ર રાજ્યની, નગરપાલિકા અને જાહેર સત્તામંડળોના હસ્તકના પુલ, નાળા વગેરે માટેના નિરીક્ષણ તથા જાળવણી માટે નીચે દર્શાવ્યા મુજબની કાર્યવાહી હાથ ધરવાની રહેશે આથી ઠરાવવામાં આવે છે.
- મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જાહેર સત્તામંડળો હસ્તકના નાના-મોટા પુલ, નાળા વગેરેનું આ સાથે સામેલ Appendix – A મુજબ પ્રથમ/મુખ્ય ઇન્સ્પેક્શન કરવાનું રહેશે.
- મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જાહેર સત્તામંડળો હસ્તકના નાના-મોટા પુલ, નાળા વગેરેનું આ સાથે સામેલ Appendix – B મુજબ ચોમાસા પહેલાનું ઇન્સ્પેક્શન મે મહિનામાં અને ચોમાસા પછીનું ઇન્સ્પેક્શન ઓક્ટોબર મહિનામાં કરવાનું રહેશે.
- Appendix – C માં આપેલ માર્ગદર્શિકા મુજબ નિરિક્ષણ અને જાળવણી પદ્ધતિ અનુસરવાની રહેશે.
- Appendix – D માં દર્શાવેલ સક્ષમ અધિકારીઓ તથા સત્તાધિકારીઓ દ્વારા પુલ, નાળા – વગેરેના નિરીક્ષણ તથા જાળવણી માટે Appendix-A અને Appendix-B ના નિયત નમુના મુજબના રજીસ્ટર નિભાવવાના તથા રીપોર્ટ તૈયાર કરવાના રહેશે.
- પુલ-નાળા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય કે તુરંત જ તેની રજિસ્ટરમાં નોંધણી કરવાની રહેશે અને નિયમ મુજબ તેનું નિરીક્ષણ પર કરવાનું રહેશે.
સુરતના RTI એક્ટિવિસ્ટે માંગેલી માહિતીમાં ચોંકાવનારા ખુલાસા
સરકારના આ ઠરાવ અંગે નગર પાલિકા અને મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના રીપોર્ટ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તા. ૨૭.૦૯.૨૦૨૩ ના રોજ એકજ દિવસ માં તમામ ૭ (સાત) મહાનગર પાલિકા અને ૧૫૬ નગરપાલિકામાં RTI અરજી કરીને અરજદાર સંજય ઇઝાવા દ્વારા માહિતી માંગવામાં આવી હતી.
આ તમામ ૧૬૩ અરજીઓ પૈકી મહાનગર પાલિકા અને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી છે. આ માહિતીથી સામાન્ય જનતા દ્વારા દરરોજ ઉપયોગમાં લઇ રહેલા હજારો નાના-મોટા પુલ, નાળાની મરામત સરકાર દ્વારા કેટલી ગંભીરતાથી લેવાય છે તે ખબર પડે છે, સામાન્ય માણસોને સરકાર કીડા મંકોડા સમજે છે.
ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતા પૂલ દુર્ઘટના પછી નામદાર ઉચ્ચ ન્યાયાલય દ્વારા સુઓ –મોટો ફરિયાદ દાખલ કરીને સરકાર અને ઓવેરા ગ્રુપ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. PIL નંબર -૮૭/૨૦૨૨ માં નામદાર કોર્ટ દ્વારા સ્પેશીયલ હુકમ કરીને જાગૃત નાગરિક સંજય ઇઝાવાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
મહાનગર, નગર પાલિકાઓએ શું જવાબ આપ્યા?
રાજ્યની 7 મહાનગર પાલિકા પૈકી અમદાવાદ, સુરત, વડોદર, રાજકોટ, જમનાર મહાનગર પાલિકા દ્વારા જવાબ આપીને પોતાની વિસ્તારમાં સમાવેશ નાના-મોટા પુલ, નાળાની મરામત અંગેની માહિતી આપવામાં આવી છે. ભાવનગર અને જુનાગઢ મહાનગર પાલિકામાં નાના-મોટા પુલ, નાળાની મરામત અંગેની માહિતી નીલ છે. એટલે સરકારના ઠરાવ મુજબ કોઈ મરામત કે સર્વે ભાવનગર અને જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી નથી.
રાજયની ૧૫૩ નગર પાલિકા પૈકી ૪૫ જેટલા નગર પાલિકા મારા RTI ના જવાબ આપવાનું પણ ગંભીરતાથી લીધું નથી. કોઈ જવાબ આપ્યા જ નથી. ૭૬ જેટલા નગર પાલિકામાં નાના-મોટા પુલ, નાળાની માહિતી નીલ છે. એટલે કે ૭૬ નગરપાલિકા પોતાની જવાબમાં નાના-મોટા પુલ, નાળાની મરામત અંગે જાળવણી અંગે કોઈ માહિતી નથી. જાળવણી મરામત ના કર્યું હોઈ એટલે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
૩૫ જેટલા નગર પાલિકા કઈક માહિતી આપવામાં આવેલ છે. નાના-મોટા પુલ, નાળા છે, મરામત કે સર્વે કરવામાં આવેલ નથી, મરામત કરવામાં આવેલ છે, આ માહિતી અમોને લાગુ પડતું નથી, R&B ખાતાને આ માહિતી લાગુ પડે છે, એટલે આ અરજી R&B ખાતામાં તબદીલ કરું છું, એવા અલગ અલગ જવાબ આપવામાં આવેલ છે.
પાદરા નગર પાલિકા જવાબદારીમાંથી છટકી ગઈ હતી
૩૫ નગરપાલિકા પૈકી પાદરા નગર પાલિકા પણ પોતાની જવાબદારી નિભાવવાની જગ્યે અરજી વડોદરા શેહરી વિકાસ સત્તા મંડળને અને માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી ગઈ હતી. આજે પોણા બે વર્ષ પછી પાદરા નગર પાલિકાના હદ હિસ્તારમાં આવતા ગંભીરા નદીના બ્રિજ તૂટી પડતા 9 જેટલા લોકોના મોત થયા છે અને ઘણા લોકો સારવાર હેઠળ છે.