તન ભારતનું સર્જનકાર્ય વર્તમાને ધીમે પણ મક્કમપણે આગળ વધી રહ્યું હોય તેવી પ્રતિતિ અનુભવાય રહી છે. સન 1954 થી શરૂ થયેલી પદ્મ પુરસ્કાર શ્રુંખલામાં સન-2020 સુધીમાં 4756 હસ્તિઓને પદ્મ પુરસ્કાર અપાયા છે. 48 વ્યકિતઓને ભારત રત્ન, 314ને પદ્મ પુરસ્કાર, 1271 લોકોને પદ્મભૂષણ અને 3123 લોકોને પદ્મશ્રી જેવા સર્વોચ્ચ, સર્વોત્તમ કહી શકાય તેવા રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. મેગ્નીફાઇંગ ગ્લાસ વડે શોધવા પડે કે આમા સનાતન સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે કેટલાને આવા સમ્માન મળ્યા છે !! આ 2022ના પ્રારંભે 26મી જાન્યુઆરી યોજાયેલા રાષ્ટ્રપતિભવનના પદ્મ પુરસ્કાર સમારંભમાં કેટલાંક નામો એવા ઉચ્ચારાયા અને સમ્માનિત કરાયા કે પ્રત્યેક સનાતનીઓને જરૂર ગર્વની અનુભૂતિ થાય. બધાજ સમાજને સાથે રાખી વિકાસ સાધતા રાષ્ટ્રને વિશ્વકક્ષાએ ગર્વિષ્ટ સ્થાન અપાવનાર વર્તમાન સરકાર સનાતનીઓના હિત અને ગૌરવનું ધ્યાન રાખીને પણ સરાહનીય કાર્ય કરી રહી છે. 26 જાન્યુ. 2022ના રોજ રાષ્ટ્રીય સમ્માન મેળવનાર વિભૂતિઓની અહી આજે સંક્ષિપ્તમાં વાત કરવી છે.
વિશ્વના સૌથી મોટી ઉંમરના બાબા શિવાનંદ સ્વામી 125 વર્ષની વયના છે. પદ્મશ્રી પુરસ્કાર માટે તેમનું નામ ઉચ્ચારાયું ત્યારે રાષ્ટ્રપતિ ભવનનું સમ્માન જાળવવા ખુલ્લા પગે હાજર રહેલા બાબા શિવાનંદ પોતાના સ્થાન પરથી ઉભા થઈ વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારને અનુસરી પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘૂંટણીયે બેસીને વંદન કર્યા બાદમાં રાષ્ટ્રપતિશ્રીને પણ એજ રીતે વંદન કરીને પદ્મશ્રી પુરસ્કારનો સ્વીકાર કર્યો હતો. સાધુતાની સંસ્કારીતાને હોલમાં હાજર સર્વે લોકો સતત તાળીઓના તાલે વધાવતા રહ્યાં. રાષ્ટ્રપતિ ભવનમાં એક સનાતની સંતનું આ પ્રથમ સન્માન હતું. 125 વર્ષની વયે પણ પોતાની જાતે કોઈના આધાર વગર ઉચ્ચ ભારતીય સમ્માન સ્વીકારનાર બાબા શિવાનંદજીની આ આધ્યાત્મિક અને યોગશક્તિનો આ પ્રત્યક્ષ પરિચય હતો. બાબા શિવાનંદને વિશ્વના સૌથી મોટી ઉંમરના વ્યકિત તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા અંગે લેખીત કાર્યવાહી થઈ ગઈ છે. છેલ્લાં રેકોર્ડ મુજબ જાપાનના જીરોમોન કિમુરા નામની વ્યકિતને નામે આ રેકોર્ડ છે જે 116 વર્ષની ઉંમરે 2013માં અવસાન પામેલ.
વર્તમાનમાં બાંગ્લાદેશના સિલહટ જિલ્લાના હરિપર ગામમાં 8 ઑગસ્ટ 1896માં જન્મેલા શિવાનંદનો પરિવાર અત્યંત ગરીબીમાં જીવતો હતો. બ્રાહ્મણ ગોસ્વામી આ પરિવાર ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરતો હતો. માત્ર છ વર્ષની ઉંમરે માતા-પિતાને ગુમાવનાર શિવાનંદને નવદ્વિપ નિવાસી બાબા ઓમકારાનંદ ગોસ્વામી તેની સાથે લઈ ગયા અને આધ્યાત્મિક શિક્ષણ આપવાની શરૂઆત કરી. યુવાન વયે ગુરૂની આજ્ઞાથી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારાર્થે તેઓ ભ્રમણ પર નિકળી ગયા. 34 વર્ષ સુધી સાતેય મહાદ્વિપોની યાત્રા કરતા રહ્યા અને 35માં વર્ષે ગુરૂનો ટેલીગ્રામ મળતા પરત ફર્યા. વેદ-પુરાણ અને યોગાભ્યાસમાં સંપૂર્ણ શરણાગત બાબા શિવાનંદને પોતાનો આશ્રમ ખોલવામાં જરા પણ રસ નહોતો તેથી માત્ર થોડા શિષ્યો તેમની સાથે રહી સેવા કરતા. છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ વારાણસી શહેરની મધ્યમાં કબીરનગર જેવા જાણીતા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળ પર રહે છે. તેઓની દૈનિક ક્રિયા સવારે ત્રણ વાગ્યાથી શરૂ થાય છે જે ગંગાઘાટ ખાતે અનેક પ્રકારના યોગાસનો પછી ગંગાસ્નાન સાથે આગળ વધે છે. મસાલા વગરનું સાદું ભોજન, બ્રહ્મચર્ય અને યોગાસનો એ એમના દીર્ધજીવનના રહસ્ય છે. ત્રીજા માળના રહેઠાણમાં રહેતા બાબા રોજ ત્રણ-ચાર વખત વિના કોઈના સહારે ચઢ-ઉતર કરે છે.
ગુજરાતના આણંદ-પેટલાદ પાસેના દંતાલી ગામમાં આશ્રમ ધરાવતા સ્વામી સચ્ચિદાનંદને પણ આ વર્ષે જ પદ્મભૂષણથી સમ્માનિત કરાયા છે. સંસ્કૃતિ આધારિત ધર્મ સાહિત્ય અને શિક્ષણ માટે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરાયા છે. વિદેશયાત્રા પરના ‘મારા અનુભવો’, ભારતીય દર્શન, સંસાર રામાયણ અને વેદોની સમીક્ષા જેવા અનેક ધર્મસાહિત્યનું પ્રદાન આપનાર સ્વામી સચ્ચિદાનંદને 90 વર્ષની ઉંમરે આ સમ્માન મળ્યું છે. વારાણસીની સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદાન્તાચાર્યની પદવી પ્રાપ્ત કરનાર સ્વામીજીએ નાનપણમાં ઘર છોડી અધ્યાત્મનો માર્ગ પસંદ કરેલો.
26મી જાન્યુ.2022ના રોજ મરણોપરાંત પદ્મવિભૂષણનું સમ્માન મેળવનાર રાધેશ્યામ ખેમકા ગોરખપુરના ગીતા પ્રેસના અધ્યક્ષ અને સંપાદક રહી ચૂક્યા છે. તેમણે હિન્દુ ધર્મ સાહિત્યનું પ્રકાશન કરી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગીતાપ્રેસની પ્રકાશિત કલ્યાણ પત્રિકામાં રાધેશ્યામજીએ 38 વર્ષ સુધી સંપાદન સંભાળેલું. તેઓ એટલા ધર્મિષ્ઠ હતા કે પાનના બનેલ પાત્તરમાં જ ભોજન કરતા અને માટીના કુલડમાં પાણી પીતા. ચામડાની વસ્તુથી દૂર રહેવા ક્યારેય ચપ્પલ પણ નહોતા પહેરતા. ગીતા પ્રેસ સાથે જોડાયેલા રહેલા પણ નિવાસ તેનો વારાણસીમાં જ હતો તેથી વધુને વધુ સમય સાધુ-સંતો સાથે ગાળવા મળતો. સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી અને પુરીના શંકરાચાર્ય સ્વામી નિરંજન દેવ સાથે એટલી બધી નિકટતા હતી કે તેનું સમગ્ર જીવન ધર્મ અને આધ્યાત્મિકતાને સમર્પિત હતું. 2021માં 86 વર્ષની ઉંમરે કાશીના કેદારઘાટ ખાતે તેનું નિધન થયું હતું.
સનાતની સંતો, સનાતન ધર્મના સંરક્ષકો અને ધર્મપ્રકાશનોના પ્રકાશકોને રાષ્ટ્રીય સમ્માન આપી પ્રોત્સાહિત કરવાનુ સરકારશ્રીનુ સરાહનીય કાર્ય પ્રસંશનીય છે. વાત કદાચ આટલેથી અટકતી નથી. સનાતની સંતો એ સંસ્કૃતિની ધરોહર સમાન છે. તેને સમ્માન આપવું અને લોકહૃદયમાં સ્મૃતિ જીવંત રાખવા એવા અનેક કાર્યો થઈ રહ્યા છે. એક હજાર વર્ષ પહેલા થઈ ગયેલા દક્ષિણના સનાતની સંત રામાનુજાચાર્યની તેલંગણાના રામનગર ખાતે 1000 કરોડથી વધુના ખર્ચે 216 ફૂટ ઉંચી બેઠેલી મુદ્રાનું સ્ટેચ્યુ ગત વર્ષે જ બનાવાયું છે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે જ થયેલું. તો કેદારનાથ ખાતે મોક્ષ પ્રાપ્ત કરનાર 8મી શતાબ્દીના આદ્ય ગુરૂ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ ગત નવેમ્બરમાં પ્રસ્થાપિત કરાઈ છે. આ મોહક પ્રતિમા 130 ટનના એકજ પથ્થરમાંથી કંડારાયેલી છે. જેને આખરી સ્વરૂપ મળતા તે 35 ટનની બની રહી છે. મૂર્તિકારોએ ક્લોરાઈટ શિટથી આ મૂર્તિ બનાવી છે જેથી તડકો, વરસાદ કે કોઈપણ પ્રકારના વાતાવરણ સામે પણ સુરક્ષિત રહી શકે. ક્લોરાઈટ શિટ એક પ્રકારનો પથ્થર છે. મ.પ્ર.માં ઓમકારેશ્વરમાં 108 ફૂટ ઊંચી આદિગુરૂ શંકરાચાર્યની મૂર્તિ બનાવવાનું ત્યાની સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયું છે. આ જગ્યા આદીગુરૂ શંકરાચાર્યજીનું દિક્ષાસ્થળ છે. સનાતની સંતોને મળી રહેલ આ રીતે વિવિધ પ્રકારે મળી રહેલા સમ્માન સનાતની સમાજને ગર્વાન્વિત કરે તેવા છે.