આજે વહેલી સવારે સુરત શહેર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લગભગ એકથી દોઢ કલાક સુધી વરસાદ મન મુકી વરસ્યો હતો. આ વહેલા કમોસમી વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ આકરી ગરમીથીમાંથી છૂટકારો મેળવવા સાથે રાહત અનુભવી હતી, પરંતુ બીજી તરફ ખેડૂતોની હાલત કફોડી બની હતી.
બિન બુલાયે મહેમાનની જેમ આવી વરસેલા મેઘરાજાની એન્ટ્રી ખેડૂતોને પસંદ પડી નહોતી. ડાંગરનો પાક ખેતરોમાં ઉભો હતો. વાવણીની રાહ જોવાઈ રહી હતી ત્યારે એકાએક વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલાં વરસાદે ખેડૂતોને ખેતર તરફ દોડવા મજબૂર કર્યા હતા. ડાંગરનો પાક ધોવાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે. ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળ્યો છે. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો. ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સૂકવવા મૂક્યો હતો.ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે.
તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. નુકશાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે માંગ કરી છે. આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની આશા છે.
ઓલપાડના સરસ ગામમાં વીજળી પડતા વૃદ્ધાનું મોત
પ્રાપ્ત માહિતી મુજબ, સરસ ગામની મહિલા સવારે ખેતરમાં ભીંડાના પાકને તોડવા ગઇ હતી. મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને આગાહી મુજબ વિજળી સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે પણ આ હવામાન યથાવત્ રહ્યું.જ્યારે મહિલા ખેતરમાં કામ કરી રહી હતી. ત્યારે અચાનક વિજળી પડવાની ઘટના બની હતી. દુર્ભાગ્યવશ વીજળી સીધી મહિલાના શરીર પર પડતાં તેણીનું તાત્કાલિક સ્થળ પર જ મોત નિપજ્યું હતું.