સુરત: સુરતમાં (Surat) એક વિચિત્ર ચોરીની (Theft) ઘટના બની છે. શહેરમાં ઠેકઠેકાણે લારી અને પાનના ગલ્લાં (Pan Stall) ચાલી રહ્યાં છે. પાનના ગલ્લાંવાળા રાત્રિના સમયે રસ્તા પર જ ગલ્લાને તાળું મારી જતા રહેતા હોય છે. આજદીન સુધી ક્યારેય કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી, પરંતુ ઉતરાણ વિસ્તારમાં બનેલી ઘટનાએ શહેરના બધા પાનના ગલ્લાંવાળા ગભરાઈ ગયા છે.
ખરેખર ઉતરાણ વિસ્તારમાં રોડની સાઈડ પર મુકેલા પાનના ગલ્લાંની ચોરી થઈ છે. આ ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના ઉતરાણ વિસ્તારમાં ક્રિષ્ણા ટાઉન શિપ પાસેની છે. અહીં રોડની સાઈડ પર મુકેલા પાનના ગલ્લાને તસ્કરો ચોરી ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટેમ્પો આવે છે, જેમાંથી ચારથી પાંચ યુવાનો નીચે ઉતરે છે. ટેમ્પો રિવર્સ કરે છે અને કોઈપણ ડર કે ખચકાટ વિના પાનના ગલ્લાંને ઊંચકીને ટેમ્પોમાં ચઢાવે છે અને જતા રહે છે. કોઈ જુએ તો પણ એમ જ લાગેકે પોતાનો જ સામાન ટેમ્પોમાં લઈ જઈ રહ્યાં છે, એટલી શાંતિથી પાનનો ગલ્લો ચોરી ગયા હતા.
સવારે જ્યારે પાનના ગલ્લાંનો માલિક પહોંચ્યો ત્યારે ગલ્લો તેની જગ્યા પર નહીં હોઈ તે હાંફળો ફાંફળો થઈ ગયો હતો. આસપાસની દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ગલ્લો ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું. આથી પાનના ગલ્લાંવાળાએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પાનના ગલ્લા સહિત કુલ 35 હજારની મત્તા ચોરાઈ હોવાના આ વિચિત્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાત્રે એકાંતમાં રાહદારીઓને ચપ્પુ બતાવી મોબાઈલની લુંટ કરતા બે એમ્બ્રોડરી ઓપરેટર સહિત ત્રણ ઝડપાયા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી સવારે મોબાઈલ સ્નેચીંગના અને રાત્રે મોબાઈલ લુંટી લેવાની ઘટનાઓ વધી રહી છે. રાત્રીના સમયે સુમસામ રસ્તા ઉપર રાહદારીઓને રોકી ડરાવી ધમકાવી ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરી ટોળકી સક્રીય થઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચ ટીમને અમરોલીથી ઉતરાણ તરફ જતા ગરનાળા પાસે આવેલા વેણીનાથ મંદીર પાસે રોડની સાઇડ માંથી આ ગુનાના આરોપીઓ પસાર થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને સ્પેન્ડર મોટર સાયકલ (GJ-05-MW-2257) તથા અલગ અલગ કંપનીના 4 મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા.
પકડેયાલા ત્રણ આરોપીઓ પૈકી બે એમ્બ્રોડરી ઓપરેટર છે અને એક રોલ પોલીસનું કામ કરે છે. આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ ભેગા મળી અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડથી વહેલી સવારે તેમજ સાંજના સમયે બાઈક ઉપર ત્રણ સવારી નિકળતા હતા. એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને રોકી ડરાવી ધમકાવી, ચપ્પુ બતાવી મોબાઇલ ફોનની લુંટ કરતા હતા.
આરોપી બસંત ઉર્ફે બાસ દયાનીધી પ્રધાનની સામે અમરોલીમાં વર્ષ 2022 માં પાસા હેઠળ અટકાયત થઈ હતી. આરોપી દિપક ઉર્ફે દીપુ કુમાર જૈના સામે કતારદામમાં વર્ષ 2022 માં પાસા થયા હતા. પોલીસે એક બાઈક, 3 મોબાઈલ મળીને કુલ 1.09 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.