Business

પી. સાંઇનાથ ગ્રામિણ ભારતનું સાચું ચિત્ર દાખવનારા

ભારતના જાણીતા પત્રકાર પલાગુમ્મી સાંઇનાથને હાલમાં જાપાનનો પ્રતિષ્ઠિત ફુકુઓકા સન્માન મળ્યો. પલગુમ્મી સાંઇનાથનું નામ પી.સાંઇનાથથી જાણીતું છે અને તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યાં છે. પી. સાંઇનાથનું કાર્ય અગાઉ પણ દેશ-વિદેશમાં સન્માનિત થઈ ચૂક્યું છે. પત્રકારત્વના મૂલ્યોનું આજે ધોવાણ થયું છે ત્યારે તેઓ ‘જર્નાલિઝમ ઇઝ ફોર પીપલ, નોટ ફોર શૅરહોલ્ડર’ એમ માનીને પોતાની સફર અવિરત રાખી છે. આ ઉદ્દેશ્ય સાથે તેઓએ ગ્રામિણ પત્રકારત્વ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને આજે પોતાના આ કાર્યને તેઓ ‘પીપલ્સ આર્કાઇવ્ઝ ઑફ રૂરલ ઇન્ડિયા’(પારી)ના નામે વ્યાપક બનાવી શક્યા છે.

આ અગાઉ તેઓએ પ્રતિષ્ઠિત અખબાર ‘ધિ હિન્દુ’ માટે લાંબા સમય કામ કર્યું અને તેમાં ભારતની ગ્રામિણ સ્થિતિનો ચિતાર આપતાં રહ્યાં. જાણીતાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન તેઓને ‘દુકાળ અને ભૂખમરા વિષયક બાબતના નિષ્ણાંત’ તરીકે ઓળખ આપે છે. પી. સાંઇનાથના કાર્યની વિગતે જ્યારે ઉલ્લેખ થાય છે ત્યારે તેમના પુસ્તક ‘એવરબડી લવ્સ અ ગુડ ડ્રાઉટ’નું નામ અચૂક મૂકવામાં આવે છે. પી. સાંઇનાથના આ વિશાળ કાર્યથી ખરા ભારતની ઝલક આપણને મળે છે. હાલમાં જ્યારે તેમનો ઍવોર્ડ મળ્યો છે ત્યારે તેમના આ કાર્યની ચર્ચા કરવી સાર્થક ઠરશે…

પી. સાંઇનાથની પત્રકારત્વની સફર આજે ખૂબ આગળ નીકળી ચૂકી છે અને તે જોવી હોય તો તેમની પહેલ ‘પીપલ્સ આર્કાઇવ્ઝ ઑફ રૂરલ ઇન્ડિયા’(પારી)ના વૅબપોર્ટલ પર નજર કરવી રહી. ડિઝાઇન અને કન્ટેન્ટ રીતે સમૃદ્ધ દેખાતી તેમની સાઇટ પર ગ્રામિણ ભારતની સ્ટોરીઝ મળે છે. આપણાં ટેલિવિઝન શોરબકોર કરતાં ન્યૂઝ મીડિયામાં દેશનો મસમોટો વર્ગ ‘મિસિંગ’ છે, તેને ‘પારી’માં જગ્યા મળે છે. અહીં તેઓની વિસ્તૃત સ્ટોરીઝ પ્રકાશિત થાય છે. આ સાઇટ અંતર્ગત અન્ય પણ અનેક પ્રકલ્પ છે, જેમ કે ‘પારી’ દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય થાય છે.

આજે ‘પારી’ દ્વારા દેશભરની જાતભાતની કથા કહેવાય છે, તેની પોતાની પણ સફર છે. આ સફર છ વર્ષ અગાઉ 2014 શરૂ થઈ હતી. તેમાં માત્ર ન્યૂઝ બેઝ્ડ સ્ટોરીઝ જ નથી, બલકે આપણા દેશના ખૂણેખૂણે જે વિસારે પાડી દેવામાં આવેલાં વ્યવસાયો, શિલ્પ, સાહિત્ય, વાર્તાઓ, ગીતો અનેક બાબતોનું દસ્તાવેજીકરણ ‘પારી’ દ્વારા થઈ રહ્યું છે. આ સાહસ અંતર્ગત પી. સાંઇનાથ જે કરી રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ આ સાઇટ પર પણ આપ્યો છે. અહીં લખેલું છે કે દેશમાં અંદાજે 780 ભાષાઓ બોલાય છે અને આ ભાષાઓને લખવા માટે વિવિધ 86 પ્રકારની લિપિઓનો ઉપયોગ થાય છે. પરંતુ આપણા શિક્ષણમાં આવી ભાષાઓને સ્થાન મળ્યું નથી. મોટા ભાગની આ ભાષાઓ ગ્રામિણ ભારતમાં બોલાય છે.

ભાષાઓથી ઘણો ખરો ઇતિહાસ સચવાય છે. પરંતુ ભારતમાં બંધારણની આઠમા અનુસૂચિ પ્રમાણે માત્ર 22 ભાષાઓ તેમાં સમાવિષ્ટ છે અને આ ભાષા પ્રત્યે જ સરકાર પોતાની જવાબદારી સમજે છે. એવાં પણ રાજ્યો છે જેમની મૂળ ભાષા બંધારણીય ભાષાની સૂચિમાંથી બહાર છે. જેમ કે, મેઘાલયની ખાસી તથા ગારોને તેમાં સ્થાન નથી. ભાષાની જેમ દેશમાં એવાં અનેક પરંપરાગત વ્યવસાય છે, જે લુપ્ત થઈ રહ્યા છે તેના પર પણ ‘પારી’ કામ કરી રહ્યું છે. દાખલા તરીકે, ભારતમાં કાપડ વણાટની જેટલી શૈલી છે તે વિશ્વમાં અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી.

આજે વણાટ કાર્ય કરનારાં મોટા ભાગનો વર્ગ સમાપ્તિના કગાર પર છે. તેઓની આ શૈલી દસ્તાવેજીત ન થાય તો તે અસ્તિત્વમાં હતાં કે નહીં તેની સાબિતી ન રહે. ‘પારી’ દ્વારા તેને દસ્તાવેજીત કરવાનું અને શક્ય તો ટકાવી રાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અનેક વ્યવસાયો એવા છે જે વિશે આપણને માહિતી નથી. જેમ કે તમિલનાડુના રમંથાપુરમમાં આવેલી પાસી જાતિના લોકો રોજ તાડના પચાસ વૃક્ષો પર ચઢે છે. તે પણ દિવસમાં ત્રણ વાર! તેનાથી તેઓ ગોળ, દારૂ બનાવે છે. સિઝનમાં તો પાસી જાતિના આ લોકો પ્રતિદિવસ ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી વધુ ઊંચાઈ સુધીનું અંતર કાપી લે છે. પરંતુ હવે આવાં ઘણાં વ્યવસાય લુપ્ત થવાના આરે છે.

પી. સાંઇનાથનું વર્તમાન મહદંશે કાર્ય ‘પારી’ સાઇટ પર પ્રકાશિત થયું છે. પણ તેઓનું અગાઉનું કામ તેમના પુસ્તક ‘એવરબડી લવ્સ અ ગુડ ડ્રાઉટ’ માં દસ્તાવેજીત થયું છે. આ પુસ્તક 1996માં પ્રકાશિત થયું હતું. આજે આ પુસ્તક સો જેટલી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ છે. આટલાં વર્ષ પછી પુસ્તક પ્રસ્તુત છે તે જ તેની ઉપલબ્ધિ છે. આ પુસ્તક મૂળે તો પી. સાંઇનાથ દ્વારા 1990-92ના વર્ષ દરમિયાન થયેલાં રિપોર્ટિંગના અહેવાલ છે. આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના ગ્રામિણ ક્ષેત્રોમાં તે દરમિયાન પી. સાંઇનાથે પ્રવાસ કર્યો. આ વિસ્તારમાં પ્રવાસ કરીને તેમણે જોયું કે સરકારની યોજનાઓ કેવી રીતે અહીંયા કાર્યરત છે કે નથી.

અહીંયાથી તેઓ અસંખ્ય સ્ટોરીઝ બહાર લાવ્યા. તેમના આ રિપોર્ટ જાણે દેશને ફરી જોવાની દૃષ્ટિ પૂરી પાડે છે. પી. સાંઇનાથે તેમના અહેવાલ-લેખો દ્વારા જે ગ્રામિણ ભારત લોકો સમક્ષ લાવ્યા તે ભારત આજે પણ મોજૂદ છે અને તે જ કારણે આ પુસ્તક પ્રસ્તુત રહ્યું છે. હજુ પણ દેશના અનેક ક્ષેત્રો એવા છે જ્યાં સરકારની યોજના પહોંચતી નથી. રસીકરણની જે ડ્રાઇવ આજકાલ થઈ રહી છે તે પરથી કોઈ પણ શહેરી ગ્રામિણ ક્ષેત્રનો અંદાજ લગાવી શકે. હાલમાં ગુજરાતમાં રસીકરણ ડ્રાઇવની મસમોટી જાહેરાત થઈ, પણ જ્યારે લોકો રસી લેવા કેન્દ્ર પર જાય છે ત્યારે ત્યાં સ્ટોક હોતો નથી. શહેરી વર્ગ સામે આવી સ્થિતિ ભાગ્યે જ આવે છે તે સ્થિતિથી ગ્રામિણ ભારત ટેવાઈ ચૂક્યું છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં પી. સાંઇનાથ લખે છે : જ્યારે કોઈક આફત આવે છે અને લોકો મૃત્યુ પામે છે ત્યારે ગરીબી અને આવેલી વિપદાને એક ઘટના તરીકે કવર કરી લેવામાં આવે છે. જો કે ગરીબી એ ભૂખમરાથી થતાં મૃત્યુ અથવા દુકાળ જેવી સ્થિતિથી વધુ ગંભીર છે. ગરીબી એ અનેકવિધ પાસાંનું પરિણામ છે. અને ક્ષેત્રવાર-સમાજ અને સંસ્કૃતિ મુજબ તે અલગ અલગ દેખા દે છે. ગરીબીના માપદંડ અર્થે કેલરી કે આવકનો સમાવેશ નથી થતો. બલકે તે ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ, જન્મદર, સિંચાઈ, પીવાનું પાણી, સ્વચ્છતા, સંપત્તિ, દેવું અને રોજગારી જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

જેમ કે, જરૂરી 2100થી 2400 કેલરી તમે દિવસમાં મેળવી શકતા હોવ તેમ છતાં તમે ગરીબ હોઈ શકો છો. ભારતનો પ્રશ્ન દુકાળપીડિત સોમાલિયા અને ઇથોપિયા કરતાં વેગળો છે. ભૂખમરો – તે ગરીબીનો એક માત્ર પાસું છે. ગરીબી તેનાથી વધુ ગૂંચવણભરી છે. અહીંની ગરીબીનું સ્તર જોઈ શકાતું નથી અને તેના ઇથોપિયા-સોમાલિયાની જેમ ડ્રામાટીક ટેલિવિઝન ફૂટેજ મળતા નથી. તેથી જ તેને કવર કરવાનું વધુ પડકાભર્યું છે. ઘણાં એવા છે જેઓ ભૂખમરાની સ્થિતિમાં નથી પણ તેઓને ન્યૂટ્રિશનની રીતે અપૂરતો આહાર મળે છે. ઘણી જગ્યાએ બાળકોને જોઈએ એટલો આહાર મળતો નથી. અને આ કારણે તેઓ જીવનભર શારીરિક અને માનસિક રીતે નબળા રહે છે. આ ઉપરાંત વ્યક્તિને જો કટોકટીના પળે સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ ન હોય તો તે વ્યક્તિની સ્થિતિ ભૂખમરાથી વેગળી હોતી નથી.

1996માં આ પુસ્તક લખાયું અને ત્યારે લખેલી આ પ્રસ્તાવનામાં પી. સાંઇનાથ લખે છે કે, ‘ત્રણેક વર્ષ અગાઉ પ્લાનિંગ કમિશન દ્વારા ‘એક્સપર્ટ ગ્રૂપ’ નીમવામાં આવ્યું હતું. આ ગ્રૂપમાં ભારતના જાણીતા અર્થશાસ્ત્રીઓ હતા અને તેઓએ પ્લાનિંગ કમિશનને એક રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ રિપોર્ટમાં એક્સપર્ટ ગ્રૂપે એવી નોંધ મૂકી હતી કે પ્લાનિંગ કમિશને ગરીબીના અંદાજ માટે નવી પદ્ધતિ અમલમાં લાવવી જોઈએ. આ રિપોર્ટ મુજબ દેશની 40 ટકા વસતી ગરીબી રેખાની નીચે હતી. જો કે પછી સરકારની ગાઇડલાઇન મુજબ ગરીબી રેખા એ રીતે નિર્ધારતી કરીને દેશના ગરીબોનો આંક 20 ટકા સુધી લાવવામાં આવ્યો.’ સરકાર પોતાની અનુકૂળતા મુજબ ડેટાનો ઉપયોગ કરે છે તે વાત હવે જગજાણીતી છે. તે વખતનું ઉદાહરણ ટાંકીને પી. સાંઇનાથ લખે છે કે ગરીબી રેખાની નીચે 20 ટકા વસતી છે તેમ સરકારે સ્વીકાર્યું તેના નવેક મહિના અગાઉ જ કોપનહેગનમાં થયેલી વર્લ્ડ સમિટ ઑફ સોશ્યલ ડેવલપમેન્ટમાં જે આંકડા આપણા દેશ વતી જાહેર થયા હતા, તેમાં આપણી વસતીનાં 40 ટકા લોકોને ગરીબી રેખાને નીચે ગણવામાં આવ્યા હતા.

આવી અસંખ્ય બાબતો છે જે અંગે સરકાર દ્વારા જે ચિત્ર દર્શાવવામાં આવે તે સાચું માની લેવામાં આવે છે. અને તે જ પ્રમાણે તેના તરફેણમાં કે વિરુદ્ધમાં દલીલ-તર્ક થાય છે. હવે તો આ પ્રેક્ટિસ એટલી હદે વ્યાપક બની ગઈ છે કે તેને તોડી પાડી શકાતી પણ નથી. સોશ્યલ મીડિયાના કારણે આ કામ ખૂબ મુશ્કેલ બન્યું છે. અને તેથી જ પી. સાંઇનાથ જેવા વ્યક્તિઓની ઉપસ્થિતિ અગત્યની બને છે. તેમનાં કાર્યથી જ આજે પણ વિશ્વની સો થી વધુ કૉલેજ-યુનિવર્સિટીમાં દેશનું સાચું ચિત્ર રજૂ થઈ રહ્યું છે.

Most Popular

To Top