Gujarat

કચ્છમાં દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

કચ્છના ગોપાલપુરી – ગાંધીધામ ખાતે આવેલી દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ તેમજ ઓક્સિજન સિલિન્ડર બેંક દ્વારા સ્વયંચાલિત ઓક્સિજન સોર્સ ચેન્જઓવર સિસ્ટમ જેવી સંલગ્ન સુવિધાઓ સાથે મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો ) મનસુખ માંડવિયાએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં કહ્યું હતું કે, ફક્ત 20 દિવસમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું સંપૂર્ણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન તમામ બંદરોએ ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવાની સુવિધા આપીને, કોવિડ-19 સંબંધિત સામગ્રીઓનું વહન કરતા માલવાહક જહાજો માટે ગ્રીન ચેનલની રચના કરીને તેમજ બંદરો પર લેવામાં આવતા ચાર્જમાંથી મુક્તિ આપીને કોવિડ-19 મહામારી સામેની જંગમાં ઘણું યોગદાન આપી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે, તમામ મોટા બંદરોમાંથી દિનદયાળ પોર્ટ એવું પહેલું બંદર છે જ્યાં મહામારીની પરિસ્થિતિમાં આવો ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરીને તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં લગાવવામાં આવેલા આ ઓક્સિજન જનરેટર યુનિટમાંથી 20 cu.m./ hr. એટલે કે દર કલાકે 5-6 બારના પ્રેશર સાથે 20,000 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે જે પ્રતિ કલાકે મોટાકદના ત્રણ સિલિન્ડરની સમકક્ષ છે.

આ ઓક્સિજનનો ઉપયોગ પોર્ટ હોસ્પિટલમાં કોવિડની સારવાર તેમજ DPT સ્ટાફ, તેમના સંબંધીઓ અને સ્થાનિક વિસ્તારમાં વસતા અન્ય દર્દીઓની સારવાર માટે થઇ શકશે. આ સિસ્ટમના કારણે દર્દીઓની સારવાર માટે વારંવાર સિલિન્ડર રીફિલ કરવાની ઘણી કષ્ટરૂપ પ્રક્રિયાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે અને હોસ્પિટલમાં ખૂબ જ સરળતાથી તેમજ એકધારો ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

આ ઓક્સિજન યુનિટ આયાત કરવામાં આવેલા મોડ્યૂલર ઓક્સિજન સિવ્સ (ગરણીઓ) દ્વારા યુનિટમાં પ્રેશરની સ્થિતિમાં પ્રેશર વિંગ શોષણની પદ્ધતિઓની એકધારી પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને અંતે ઓછામાં ઓછી 93% શુદ્ધતા સાથે ઓક્સિજન પૂરો પાડે છે. પોર્ટ હોસ્પિટલમાં તમામ વૉર્ડના બેડમાં ઓક્સિજન ફિટિંગ સુધી મેડિકલ ઓક્સિજનના પુરવઠાનું વિતરણ કરવા માટે મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક લગાવવામાં આવ્યું છે.

આ નેટવર્ક પાઇપલાઇનમાં વિવિધ કદની ભારે કોપરની સાંધા વગરની સળંગ પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આખા નેટવર્કમાં ઓક્સિજન રેગ્યુલેટર, ફ્લો મીટર અને કંટ્રોલ વાલ્વની મદદથી હોસ્પિટલમાં ઉલ્લેખ કરવામાં આવેલા 78 બેડ-પોઇન્ટ્સ સુધી એકસરખા દબાણ સાથે ઓક્સિજનનું વિતરણ સુનિશ્ચિત થઇ શકે.

Most Popular

To Top