World

ભારતીય હવાઇ દળ સિંગાપોરથી ૪ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેઇનરો લઇ આવ્યું

ભારતીય હવાઇ દળ પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટે ચાર ક્રાયોજેનિક કન્ટેઇનરો આજે સિંગાપોરથી ઉઠાવી લાવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સિંગાપોરથી આ કન્ટેઇનરો હવાઇ દળના હેવી લિફટ વિમાન સી-૧૭ વડે લાવવામાં આવ્યા હતા. સાંજે ૪.૩૦ કલાકે ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેઇનરો સાથેનું વિમાન પશ્ચિમ બંગાળના પાનાગઢ એરબેઝ પર ઉતર્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ભારત કોરોનાવાયરસના ચેપના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે ત્યારે ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં જીવન રક્ષક મેડિકલ ઓક્સિજનની તીવ્ર અછત છે અને તેને પહોંચી વળવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઇકાલથી હવાઇ દળે ખાલી ઓક્સિજન ટેન્કરો અને કન્ટેઇનરો દેશના વિવિધ ફિલિંગ સ્ટેશનોમાં પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી છે. આ ઉપરાંત કોવિડ-૧૯ હોસ્પિટલો માટે જરૂરી સામગ્રીઓ માટે પણ હવાઇદળના વિમાનો ખેપ ભરી રહ્યા છે.

ઓક્સિજન તથા અન્ય જરૂરી સામગ્રીના પરિવહનનો સમય ઘટાડવા ભારતીય હવાઇ દળ ઉડાનો ભરી રહ્યું છે. એક સી-૧૭ વિમાન આજે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર જઇને ક્રાયોજેનિક ઓક્સિજનના ચાર કન્ટેઇનરો લઇ આવ્યું હતું જે કન્ટેઇનરો દેશમાં ઓક્સિજનનો પુરવઠો વધારવામાં મદદ કરશે એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

Most Popular

To Top