સુરત(Surat) : હીરા ઉદ્યોગ (Diamond Industry) લાંબા સમયથી મંદીનો (Recession) સામનો કરી રહ્યો છે. પાછલા છ મહિનામાં ડાયમંડની નિકાસમાં (Export) 25 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે, તેના પગલે નેચરલ ડાયમંડના વેપારીઓએ રફ ડાયમંડની આયાત બે મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોની સ્થિતિ પણ સારી નથી. ડિમાન્ડ અને પ્રાઈસ બંને તળિયે પહોંચ્યા છે. આવી કફોડી પરિસ્થિતિમાંથી હીરા ઉદ્યોગને બહાર કાઢવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક સરાહનીય પગલું ઉપાડ્યું છે.
જીજેઈપીસી દ્વારા સુરત ખાતે લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય મીટ માટે યુએસથી 12 અગ્રણી જ્વેલરી કંપનીના માલિકોને આમંત્રિત કરાયા છે. જેન્યુઈન લેબગ્રોન ડાયમંડ તેઓ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદી શકે તેવી વ્યવસ્થા જીજેઈપીસી દ્વારા ગોઠવવામાં આવી છે. યુએસની 12 જ્વેલરી કંપનીના માલિકો જાતે લેબગ્રોન ડાયમંડની ફેક્ટરીઓની વિઝિટ લઈ ડાયમંડ પસંદ કરી ઓર્ડર આપે તેવું પ્લાનિંગ છે.
દરમિયાન આજે મંગળવારે યુએસની 12 જ્વેલરી કંપનીના માલિકો સુરત આવી પહોંચ્યા હતા. તેઓએ આજે દિવસ દરમિયાન સુરતની લેબગ્રોન ડાયમંડ ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનની પ્રક્રિયાને ઝીણવટભરી રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી પર્યાવરણને નુકસાન નહીં થતું હોવાની હકીકત જાણી પ્રભાવિત થયા હતા.
આઠ મહિનામાં ડાયમંડની નિકાસમાં 25 ટકાનો ઘટાડો
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) હીરા ઉદ્યોગ પરથી મંદીના વાદળો દૂર કરવા સતત પ્રયાસરત છે. યુએસ અને ચીનના બજારોમાં લુઝ પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઓછી હોવાના લીધે હાલ હીરા ઉદ્યોગ તકલીફમાં છે. તેથી નિકાસ ઘટી રહી છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ડાયમંડની નિકાસમાં સરેરાશ 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ મુશ્કેલીઓનો સામનો કરવા અને ઉદ્યોગને પુન:દોડતો કરવા માટે નિકાસને વેગ આપવાના ભાગરૂપે જીજેઈપીસી દ્વારા યુએસમાંથી 12 બાયર્સ કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બાયર્સ સેલર્સ મીટમાં યુએસની 12 જ્વેલરી કંપનીઓ હીરા ખરીદશે.
જીજેઈપીસી દ્વારા છ મહિનામાં બીજી મીટનું આયોજન
ઉલ્લેખનીય છે કે, GJEPC દ્વારા 6 મહિનાથી ઓછા સમયગાળામાં આ બીજી બાયર્સ-સેલર્સ મીટ છે. જીજેઈપીસીએ એપ્રિલ 2023 માં નોંધપાત્ર બાયર્સ સેલર્સ મીટનું આયોજન કર્યું હતું, જેને ખરીદદારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, પરિણામે 4-5 મિલિયન ડોલરના ઓર્ડર મળ્યા હતા. ઈવેન્ટની સફળતાએ આગામી બાયર્સ સેલર્સ મીટ માટે ઊંચી અપેક્ષાઓ ઊભી કરી છે, ઉદ્યોગને ઓર્ડરમાં વધારો અને જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં પુનઃસજીવન થવાની અપેક્ષા છે.