નવી દિલ્હી: ગઈ તા. 18મી નવેમ્બરે મથુરા પોલીસને યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પર એક લાલ બેગમાં પેક કરેલી 22 વર્ષીય યુવતીની લાશ (Dead Body) મળી હતી. આ લાશની ઓળખ થઈ ગઈ છે. તે દિલ્હીમાં (Delhi) રહેતી બીસીએની વિદ્યાર્થીની આયુષીની (AayushiMurder) છે. આ સમગ્ર કેસમાં ચોંકાવનારી વાત એ છે કે આયુષીની હત્યા તેના જ પિતાએ કરી છે. કોઈ વાતે પિતાએ ઘરમાં જ પરિવારના સભ્યોની નજર સામે ગોળી મારી આયુષીની હત્યા કરી હતી. ત્યાર બાદ 12 કલાક સુધી લાશ ઘરમાં જ રાખી હતી અને મોડી રાત્રે લાલ બેગમાં પેક કરી યમુના એક્સપ્રેસ વે પર ફેંકી આવ્યા હતા. પોલીસે આ કેસમાં આયુષીની માતા અને ભાઈને અટકાયતમાં લીધા છે. માતા અને ભાઈએ પોસ્ટમોર્ટમ રૂમમાં આયુષીની લાશની ઓળખ કરી છે. આ પરિવાર મૂળ ગોરખપુરનો છે.
પોલીસ આ કેસને ઓનર કિલિંગનો ગણાવી રહી છે. આયુષની હત્યા આસપાસ અનેક પ્રશ્નો છે. માતા અને ભાઈ પાસેથી કોઈ માહિતી મળી નથી. શું આયુષી કોઈની સાથે રિલેશનશીપમાં હતી? તેના પિતાને આયુષી સાથે શું નારાજગી હતી? તે સવાલનો જવાબ હજુ સુધી મળ્યા નથી.
મથુરા પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ હત્યાના બે મુખ્ય કારણો સામે આવી રહ્યા છે. એક તો તેના લગ્ન બીજી જ્ઞાતિના છોકરા સાથે થયા હતા અને બીજું એ કે છોકરી ઘણા દિવસો સુધી ઘરની બહાર રહેતી હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આયુષીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા, એટલે કે ઘરમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો.
આ કિસ્સામાં, પરિવારના સભ્યોએ પુત્રીના ગુમ થયાની નોંધ પણ કરી ન હતી. પોલીસ જ્યારે મૃતક વિદ્યાર્થીનીના ઘરે પહોંચી ત્યારે તેના પિતા ત્યાં ન હતા. બાદમાં પોલીસે તેને શોધી કાઢ્યો હતો. રવિવારે મોડી રાત્રે પૂછપરછ દરમિયાન પિતાએ પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસ માટે હત્યા સંબંધિત પુરાવા એકત્રિત કરવાનું સરળ બન્યું હતું. મોડી રાત્રે પોલીસની ટીમ હત્યાના સ્થળનો કબજો મેળવવાની કામગીરીમાં લાગી ગઈ હતી અને મૃતદેહને લઈ જવા માટે વપરાયેલી કાર, જે હથિયારથી ગોળી ચલાવવામાં આવી હતી તે વગેરેનો કબજો મેળવ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે પિતાને કસ્ટડીમાં લઈ આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આયુષીના મૃતદેહની ઓળખ તેની માતા અને ભાઈએ કરી છે.
20 હજાર ફોન અને 210 સીસીટીવી સર્ચ કર્યા હતા
યુવતીની ઓળખ કરવા માટે સર્વેલન્સ ટીમે લગભગ 20,000 મોબાઈલ ફોન ટ્રેસ કર્યા. સર્વેલન્સ ટીમે આ મોબાઈલના લોકેશનની પણ તપાસ કરી હતી. જેવર, જબરા ટોલ, ખંડૌલી ટોલ ઉપરાંત હાથરસ, અલીગઢ અને મથુરામાં આવતા માર્ગો પર લગાવેલા 210 સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ પોલીસને મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી હતી.
પિતાની ઈલેક્ટ્રોનિકની દુકાન
SSP એમપી સિંહે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા બાદ માતા અને ભાઈએ આયુષીના મૃતદેહની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ પરિવાર મૂળરૂપે ગોરખપુર જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. હાલમાં આયુષીનો પરિવાર દિલ્હીના બદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો. પિતા નિતેશ યાદવની ઈલેક્ટ્રોનિકની દુકાન છે.