એક દિવસ રોશની રડતી રડતી બેડરૂમમાં જતી રહી…સાસુમાએ જોયું પણ ત્યારે કઈ પૂછ્યું નહિ.થોડીવાર બાદ રોશની બહાર આવી અને ચુપચાપ રસોડામાં કામ કરવા લાગી.ત્યારે સાસુમા રસોડામાં ગયા અને રોશની શાક સમારી રહી હતી , તેના હાથમાંથી શાક અને ચપ્પુ લઈને સાસુએ પૂછ્યું, ‘શું થયું વહુ કેમ રડતી હતી.’રોશની બોલી, ‘કઈ નહિ મમ્મી, એ તો હું બધા માટે દોડું છું …આપણા ઘર માટે , મારા મિત્રો માટે ,મારા પિયરયાઓ માટે ,સાસરીયા માટે પણ મારી કોઈને જ કિંમત નથી.હું ગમે તેટલું કરું પણ લોકો મને કઈ ગણતાં જ નથી.હમણાં જ મારી બધી બહેનપણીઓ શોપિંગ માટે સાથે ગઈ પણ મને કહ્યું તારે બહુ કામ હશે એટલે તને નહિ ફાવે ને…ગઈકાલે ભાભીએ પણ ફોન પર કહ્યું કે અમે ચાર દિવસ બહારગામ જઈએ છીએ તમે પછી આવજો…મમ્મી મને એમ થાય છે કે મારી કોઈને કિંમત જ નથી.’આટલું બોલીને રોશની ફરી રડવા લાગી.
સાસુમા બોલ્યા, ‘બેટા, આ બધું તારા મનની માનેલી વાત છે.જો તું એમ વિચારીશ કે મારી કોઈને કિંમત જ નથી તો કોઈ તારી કિંમત ક્યારેય કરશે જ નહિ.સૌથી પહેલા તો જે કઈ પણ થાય , કોઈ કંઈપણ બોલે કે કંઈપણ કરે આપણે મનની શાંતિ ભંગ કર્યા વિના જે છે તેને તેમ જ સાંભળી લેવાનું …સમજી લેવાનું અને સ્વીકારી લેવાનું.અને સાંભળ હવે હું તને સમજવું પોતાની કિંમત વધારવાની રીત….દીકરા તને સમજવું છું એટલે વળી પાછુ એમ નહિ સમજતી કે મમ્મી મારી ખામીઓ દેખાડે છે.’
રોશની બોલી, ‘ના મમ્મી એમ નહિ સમજુ …તમે મને પોતાની કિંમત વધારવાની રીત સમજાવો …મારી કોઈ ભૂલ થાય છે તે કહો.’સાસુમા બોલ્યા, ‘દીકરા સૌથી પહેલા તો ઓછું બોલવું અને ખપ પુરતું જ બોલવું ..કોઈ ખાસ પૂછે તો જ સલાહ આપવી બાકી ચુપ રહીને બધું સમજતા રહેવું .દરેક જણ મદદ માંગે કે કામ સોંપે એટલે ભાર માથા પર ન લઇ લો થોડો ભાર બીજાને સોંપતા અને ક્યારેક ના પડતા પણ શીખ.
કોઇપણ વસ્તુનો વિચાર્યા વિના તરત જવાબ આપવો નહિ…બધી બાબતોનો વિચાર કરી ..સમય લઇ જવાબ આપવો.બધા પર આસાનીથી વિશ્વાસ મુકવો નહિ થોડા ચેતતા રહેવું.જે મળ્યું છે …જે સબંધો છે …તેમાં સંતોષ માનવો બધા જોડે ગાઢ સબંધ બાંધવા ઘેલા થવું નહિ.લોકોની પાછળ દોડવા કરતા સારા સેવાના કામ કરવા અને સૌથી ખાસ પોતાનું સ્વભિમાન ચોકકસ જાળવવું તે ઘવાય તેવું કોઈ કામ કરવું નહિ.’સાસુએ વહુને સાચી રીત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.