એક દિવસ હ્યુમન સાઈકોલોજીના લેક્ચરમાં પ્રોફેસરે વર્ગમાં આવીને કહ્યું, ‘આપણે હ્યુમન સાઈકોલોજી ભણીએ છીએ એટલે કે માનવમન અને મગજનો અભ્યાસ કરીએ છીએ.આજે મારો પ્રશ્ન છે કે બીજાનાં મન અને મગજને જાણવા પહેલાં તમે શું પોતાની જાતને ઓળખો છો.તમારા પોતાના વિષે તમારું શું માનવું છે ચાલો તે જાણવા આજે એક પ્રયોગ કરીએ.હું થોડા પ્રશ્નો બોર્ડ પર લખું છું. તમારે તે પ્રશ્નો તમારી બુકમાં લખવાના છે અને તેની સામે તેના જવાબ; તમારે તમારા જવાબ કોઈને દેખાડવાના નથી; મને પણ નહિ, માત્ર તમારે જ તમારા વિષે પ્રમાણિક જવાબ લખવાના છે.’ આટલું કહીને પ્રોફેસરે બોર્ડ પર પ્રશ્નો લખવાની શરૂઆત કરી: તમને તમારી જાત ગમે છે? તમે તમારી પાસેથી બરાબર કામ લો છો? શું તમને તમારામાં વિશ્વાસ છે?
તમે મહેનત માંગતું અઘરું કામ કરો છો કે હાથ પર હાથ રાખી બેસી રહો છો? તમારા સંજોગો બદલવા માટે તમે પ્રયત્નશીલ છો કે તે આપમેળે બદલાશે એમ તમે માનો છો? તમે તમારી સામે ઉચ્ચ લક્ષ્ય રાખો છો? જીવનમાં તમે સારું કામ કરવા પ્રયત્નશીલ રહો છો કે જે થાય એ થવા દો છો? તમે પોતાની જાતને કેવા માનો છો?તમે તમારી જાતને ઓળખો છે કે સાવ અજાણ છો? આ પ્રશ્નો લખીને પ્રોફેસરે કહ્યું, ‘આ બધા પ્રશ્ન તમે લખો અને વિચારીને તેની સામે તમારો જવાબ લખો.મેં કહ્યું છે તેમ તમારે આ જવાબ કોઈને દેખાડવાના નથી એટલે જો આ પ્રયોગની સાચી સમજ જોઈતી હોય તો સાચા અને પ્રમાણિક જવાબ લખજો.
બધા વિદ્યાર્થીઓ જવાબ લખવા લાગ્યા.લગભગ પંદર મિનિટ પસાર થઇ ગઈ, પછી પ્રોફેસરે કહ્યું, ‘તમારા બધાના જવાબ લખાઈ ગયા હશે અને આ જવાબ લખતી વખતે તમારા મનમાં બીજા કોઈક પ્રશ્નો ઉદ્ભવ્યા હશે તો તમે તે બોર્ડ પર આવીને લખી શકો છો અથવા તમારી બુકમાં લખીને તેનો જવાબ લખી શકો છો.આવા પ્રશ્નો તો ઘણા લખી શકાય, જેના સાચા જવાબો લખીને તમે પોતાનું પૃથકકરણ પોતાની જાતે અને પોતાની રીતે કરી શકો.
આ પ્રશ્નોના જવાબો લખજો અને યાદ રાખજો, બીજા બધા કરતાં તમારો પોતાનો મત તમારા માટે સૌથી મહત્ત્વનો છે, જે તમને તમારી ખામી અને ખૂબી સમજાવે છે અને પોતાનામાં ક્યાં સુધાર અને બદલાવની જરૂર છે તે શોધી શકાય છે.આશા રાખું છું આ પ્રશ્નોના જવાબ લખવાના પ્રયોગથી તમને પોતાના વિષે સ્પષ્ટતા મળી હશે.’ બધા વિદ્યાર્થીઓએ પ્રોફેસરની વાતને તાળીઓથી વધાવી. હ્યુમન સાઈકોલોજીનો આ પ્રયોગ કરવા જેવો છે.ચાલો આપણે પણ જાત વિષે આ પ્રશ્નો પૂછી સાચા જવાબ લખીએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.