રાજ્ય સરકાર એક તરફ દારૂબંધીની વાતો કરે છે. ત્યારે આ વાતો તદ્દન પાંગળી પૂરવાર થઈ રહી છે. કામરેજના ઓવિયાણ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં કડોદરાના હરિપુરા ગામના લિસ્ટેડ બુટલેગર જયંતી ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો. અને તેના સાગરીતો સાથે મળી અલગ અલગ વાહનોમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરી સગે વગે કરવાની પેરવીમાં હોવાની બાતમી કડોદરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અશ્વિનભાઈ ચીમનભાઈ તથા એલસીબી શાખાના માણસોને મળતાં એલસીબી પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી.
પોલીસે રૂ.10,65,600નો દારૂ તથા એક કાર કિંમત રૂ.10 લાખ, ત્રણ બાઈક કિંમત રૂ.65000 તથા 17 હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ 21,47,600ના મુદ્દામાલ સાથે સંજય નાનુ ઢીમ્મર (રહે., હરિપુરા, લીમડી ચોક, તા.પલસાણા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેડ દરમિયાન ભાગી ગયેલા જયંતી ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મર (રહે., હરિપુરા, જલારામ મંદિર પાસે, તા.પલસાણા), કમલેશ શાંતિલાલ ઢીમ્મર (રહે., હરિપુરા, જલારામ મંદિર પાસે), રોશન (રહે., દમણ), ચેતન ઢીમ્મર (રહે., હરિપુરા, તા.પલસાણા), કાનો મેવાડા (રહે., ચલથાણ, તા.પલસાણા), અખિલેશ ઉર્ફે પિંકેશ (રહે., તાતીથૈયા, તા.પલસાણા), યોગેશ ઉર્ફે આનંદ આધાર વાલે (રહે., લથાણ, તા.પલસાણા)ને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.